અમદાવાદના યુવાનો માટે રોજગારીની સૌથી મોટી સુવર્ણ તક; ટોચની 500 કંપનીઓમાં મળશે ઇન્ટર્નશિપની તક!
Prime Minister Internship Scheme: રોજગારી મેળવવા માગતા ઉમેદવારો માટે પી.એમ.ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક છે. દેશની ટોચની 500 કંપનીઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અમલી છે. અમદાવાદ જિલ્લાના યુવાનો વધુ વિગત માટે મદદનીશ નિયામક રોજગારની કચેરી, અસારવા ખાતે રૂબરૂ સંપર્ક કરી શકશે.
આ યોજના અંતર્ગત ધો.10, ધો.12, આઈ.ટીઆઈ. ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને 21-24 વર્ષની વય ધરાવતા, ફૂલ ટાઇમ નોકરી કે અભ્યાસ કરતા હોય તેવા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને 12 માસ માટે દેશની ટોચની 500 કંપનીમાં વિનામૂલ્યે ઇન્ટર્નશીપનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેવા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ તા.10 નવેમ્બર,2024 સુધીમાં www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી કરી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
રજિસ્ટ્રેશન માટે ઉમેદવારોએ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ બનાવી તેમાં અરજી કરવી. આધાર નંબર સાથે લિંક ધરાવતા મોબાઇલ નંબર, આધાર નંબર સાથે સીડ કરાવેલા એકાઉન્ટની વિગતો આ અરજીમાં જોડવાની રહેશે. અરજી કરતા સમયે આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો સાથે રાખવાં. મહત્ત્વનું છે કે, યોજનાનો લાભ મેળવવા ઇચ્છૂક ઉમેદવારના પરિવારની કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ, તેમજ પરિવારની વાર્ષિક આવક મર્યાદા 08 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
આ યોજનામાં પસંદ થતા ઉમેદવારોને 12 મહિના સુધી અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળે છે. ઇન્ટર્નને, કેન્દ્ર સરકાર દ્વારા માસિક રૂ.4500 અને કંપની દ્વારા રૂ.500ની રકમ ચૂકવવામાં આવશે. એક વખત માટે રૂ. 6000નું આકસ્મિક અનુદાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. દરેક ઇન્ટર્ન માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા હેઠળ વીમા કવચ આપવામાં આવે છે.
અમદાવાદ જિલ્લાના યુવાનો વધુ વિગતો માટે મદદનીશ નિયામક રોજગાર કચેરી, અસારવા, અમદાવાદ ખાતે આવતીકાલે તા.10 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રૂબરૂ સંપર્ક કરી શકાશે, તેવું અમદાવાદ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
Trending Photos