`Heart Attack` and `Angioplasty Surgery`: આવું ગુજરાતમાં જ શક્ય બને! વિશ્વના સૌથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધા પર સૌથી રિસ્કી ઓપરેશન પાર પાડ્યું, પછી...
`Heart Attack` and `Angioplasty Surgery`: મધ્યપ્રદેશના વતની એવા 107 વર્ષીય વૃદ્ધાને હૃદયનો હુમલો આવતા મધ્યપ્રદેશના મંદસૌરથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 107 વર્ષીય વૃદ્ધાની એન્જીઓગ્રાફિ કરતા હૃદયની ધમનીઓમાં 99 ટકા બ્લોકેજ આવ્યું હતું.
અતુલ તિવારી/અમદાવાદ: વિશ્વના સૌથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધા પર એન્જિઓપ્લાસ્ટી કરાઈ છે. 107 વર્ષના બાદામબાઈ વ્યાસની સફળતાપૂર્વક એન્જીઓપ્લાસ્ટી અને ડ્રગ ઈલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરાઈ છે. અમદાવાદમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં તબીબો દ્વારા વિશ્વના સૌથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધા પર એન્જીઓપ્લાસ્ટી કરાયાનો દાવો કરાયો છે. મધ્યપ્રદેશના વતની એવા 107 વર્ષીય વૃદ્ધાને હૃદયનો હુમલો આવતા મધ્યપ્રદેશના મંદસૌરથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 107 વર્ષીય વૃદ્ધાની એન્જીઓગ્રાફિ કરતા હૃદયની ધમનીઓમાં 99 ટકા બ્લોકેજ આવ્યું હતું.
વર્ષ 1915માં જન્મેલા વૃદ્ધા એન્જીઓપ્લાસ્ટી અને ડ્રગ ઈલ્યુટિંગ સ્ટેન્ટની સારવારના 3 કલાકમાં જ ચાલવા લાગ્યા. ત્યારબાદ ઇન્ટરવેંશનલ કાર્ડિયોલોજિસ્ટ અને સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયુર પરીખે જણાવ્યું હતું કે દર્દી શુક્રવારે સિમ્સ હોસ્પિટલમાં આવ્યા અને શનિવારે મેં એમના રીપોર્ટસ જોયા હતા. જેમાં 90 ટકા બ્લોકેજ હોય એવા કિસ્સામાં દર્દીનુ બચવું મુશ્કેલ હોય છે, પછી પરિવારને તમામ રિસ્ક અંગે જાણકારી અમે આપી હતી. એક પરિવારે જે રીતે 107 વર્ષના વૃદ્ધાને બચાવવા પ્રયાસ કર્યો એ સફળ રહ્યો છે. વૃદ્ધામાં માત્ર એક જ સ્ટેન્ટ મૂકવાની જરૂર પડી અને હાલ તેઓ સ્વસ્થ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે વૃદ્ધાનાં પતિ અનેક વર્ષો પહેલા ગુજરી ગયા હતા, પણ પરિવાર આ વૃદ્ધા જીવે એવું ઈચ્છતો હતો. હૃદયનો હુમલો આવ્યા બાદ એમપીથી 500 કિમી 8 કલાકની મુસાફરી કરીને દર્દી સિમ્સ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ગત અઠવાડિયે સિમ્સ હોસ્પિટલમાં જ 800 ગ્રામના બાળકની પણ અમે એન્જીઓપ્લાસ્ટી કરી છે, એક દિવસના જન્મેલા બાળકની પણ સફળતાપૂર્વક એન્જીઓપ્લાસ્ટી કરી ચૂક્યા છે, પણ આ 107 વર્ષની ઉંમરના વૃદ્ધા પર કરાયેલી એન્જીઓપ્લાસ્ટી વિશ્વમાં રેકોર્ડ છે.
બાદામબાઈનાં પૌત્ર ચંદ્રશેખર વ્યાસએ કહ્યું કે, દાદીના છાતીમાં દુખાવો થતાં અમે મધ્યપ્રદેશમાં આવેલી મંદસૌરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. 3 દિવસની સારવાર બાદ રજા અપાઈ હતી, પણ ઘરે ગયા બાદ એમને ગભરામણ થતા ફરી હોસ્પિટલ લઈ ગયા. આખરે અમે સારવાર માટે દાદીને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવવાનો નિર્ણય કર્યો હતો. મારા પિતાની એન્જીઓગ્રાફિ પણ સિમ્સ હોસ્પિટલમાં થઈ હતી એટલે મને અહીં ભરોસો હતો.
ઉલ્લેખનીય છે કે, 107 વર્ષના વૃદ્ધા બાદામબાઈ બે પુત્ર અને 3 પુત્રીઓના માતા છે, હાલ તેઓ સ્વસ્થ છે, ઉંમર વધુ હોવાને નાતે સામાન્ય પેટની સમસ્યાઓ તેઓ અનુભવી રહ્યા છે. એન્જીઓગ્રાફિ કરનાર ડોક્ટર કેયુર પરીખે કહ્યું હતું કે, ઉંમર એનું કામ કરતું રહે છે, પણ દાદીને હૃદયની કોઈ સમસ્યા નહીં થાય એવું કહી શકું છું, હાલ તેઓ 107 વર્ષના છે, 110 વર્ષ તેઓ પૂરા કરશે તો નવાઈ નહીં. પરિવારે બે લાખ રૂપિયાના ખર્ચની ચિંતા કર્યા વિના 107 વર્ષના વૃદ્ધાને બચવવા જે મહેનત કરી છે, એ ભારત જેવા દેશમાં જ શક્ય બને.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube