પેપર લીક કેસમાં ચાર આરોપીઓની ધરપકડ, એક ફરાર
કોન્ટ્રાક્ટ પર હોવા છતાં યશપાલ રાજકીય ઘેરોબો ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, પેપર લીકનો ભાંડો ફૂટ્યો ત્યારથી યશપાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
અમદાવાદ: લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે વડોદરા મહાનગરપાલિકાના (વીએમસી) સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યશપાલસિંહ સોલંકીનું નામ ખુલ્યું છે. કોન્ટ્રાક્ટ પર હોવા છતાં યશપાલ રાજકીય ઘેરોબો ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, પેપર લીકનો ભાંડો ફૂટ્યો ત્યારથી યશપાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
એટલું જ નહીં, યશપાલના મહિસાગર જિલ્લાના લુણાવાડાના છાપરી મુવાડા ગામ સ્થિત ઘરે પણ તાળાં લાગ્યાં છે. મહત્વનું છે કે યશપાલ 1 ડિસેમ્બરે રાત્રે જ જવાબો લઇને દિલ્હીથી ફલાઈટમાં વડોદરા પરત ફર્યો હતો. આ જવાબોની શીટ યશપાલે તેના સાગરિત મનહર પટેલને આપ્યા હતા. પેપરલીક મામલાના આરોપી યશપાલસિંહ ઠાકોર અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ નિવેદન આપ્યું છે. અજય ભાદુએ કહ્યું કે યશપાલ ઠાકોર નામનો કર્મચારી મનપામાં ફરજ બજાવે છે. જો કે ઘણા સમયથી તે ગેરહાજર છે. પોલીસ તપાસમાં આ આરોપી છે કે નહીં તે સામે આવશે.