2019માં PM મોદી વિરુદ્ધ માહોલ બનાવનારા એકવાર 1971ના ચૂંટણી પરિણામો યાદ કરે
તાજેતરમાં કૈરાના સહિત કુલ 14 લોકસભા અને વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીઓમાં ભાજપના નિરાશાજનક પ્રદર્શન અને વિપક્ષની વધતી એકજૂથતા વચ્ચે રાજકીય વિશેષજ્ઞો એવી અટકળો કરવા લાગ્યા છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે.
નવી દિલ્હી: તાજેતરમાં કૈરાના સહિત કુલ 14 લોકસભા અને વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીઓમાં ભાજપના નિરાશાજનક પ્રદર્શન અને વિપક્ષની વધતી એકજૂથતા વચ્ચે રાજકીય વિશેષજ્ઞો એવી અટકળો કરવા લાગ્યા છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે. જો કે ભૂતકાળની ચૂંટણીઓના પરિણામોને જો જોવામાં આવે તો તસવીર થોડી અલગ દેખાય છે. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં મશહૂર કોલમિસ્ટ સ્વામીનાથન એસ અંકલેસરિયા અય્યરે આ અંગે લખ્યું છે કે હકીકતમાં ચૂંટણી અંકગણીતથી નહીં પરંતુ કેમિસ્ટ્રીથી જીતાય છે.
ઈન્દિરા ગાંધીનો પ્રભાવ
પોતાની વાતનો વિસ્તાર કરતા અય્યરે આર્ટિકલમાં લખ્યુ છે કે 1971માં ઈન્દિરા ગાંધી વિરુદ્ધ અનેક રાજકીય પક્ષો જેમ કે કોંગ્રેસ (ઓ), જનસંઘ, સ્વાતંત્ર્ય પાર્ટી, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી (પીએસપી), સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી (એસએસપી)એ પણ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ વિપક્ષી એકજૂથતા રચીને મહાગઠબંધન બનાવ્યું હતું. કાગળ પર અંકગણીતને જોતા આ ગઠબંધન પાસે આંકડા હતાં. તેના આધાર પર આકલન કરવામાં આવી રહ્યું હતું કે તેમનો સામૂહિક વોટ એકજૂથ થઈને ઈન્દિરા ગાંધીને હરાવી દેશે. પરંતુ આમ છતાં તેઓને સફળતા મળી નહતી.
જેનું કારણ એ હતું કે મેજિકલ ટચ ધરાવતા ઈન્દિરા ગાંધીની જનતા સાથે જબરદસ્ત કેમિસ્ટ્રી હતી. બરાબર એવી જ આજે પીએમ મોદીની જનતા સાથે કેમિસ્ટ્રી છે. તે સમયે ઈન્દિરા ગાંધી સાથે પણ કઈંક આમ જ થયું હતું. તેઓ પણ જનતા સાથે સીધા જોડાયેલા હતાં. તેમની સાથે સીધો સંવાદ કરતા હતાં. તેની અસર એ થઈ કે વિપક્ષની એકજૂથતા પણ તેમને હરાવી શકી નહતી. તેની પાછળ અન્ય એક કારણ એ પણ હતું કે અંકગણીતના આધાર પર એમ કહેવાતું હતું કે વિપક્ષી એકજૂથતાના નામ પર એક પાર્ટીના સમર્થક તેના ઉમેદવારને મત આપે છે જેને તે પાર્ટી સમર્થન આપે છે. જ્યારે વાસ્તવમાં એમ હોતુ નથી. ક્યારેક તેની ઉલ્ટી અસર પણ થાય છે અને સમર્થકો નારાજગીમાં બીજા પક્ષને મત આપી દે છે. તેનું ઉદાહરણ 2017માં યુપીમાં સપા અને કોંગ્રેસના ગઠબંધનથી સમજી શકાય છે. સમર્થકોએ આ ગઠબંધનને સ્વીકાર્યુ નહીં અને તે પક્ષોના એક બીજાના ઉમેદવારોના મતો ટ્રાન્સફર થઈ શક્યા નહીં.
1971ની સામાન્ય ચૂંટણી
તે સમયે લોકસભામાં 518 બેઠકો હતી. કોંગ્રેસમાં વિભાજન (1969)ના બેકગ્રાઉન્ડમાં ચૂંટણી થઈ. તે વિભાજનમાં પીએમ ઈન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. ઈન્દિરા ગાંધીએ નવું ગ્રુપ બનાવ્યું જે કોંગ્રેસ (આઈ) કહેવાયું. કોંગ્રેસમાં સિંડિકેટ જૂથનું નેતૃત્વ કરનારા મોરારજી દેસાઈના જૂથને કોંગ્રેસ (ઓ) કહેવામાં આવતું.
તે સમયે ચૂંટણીમાં કોંગ્રેસ (ઓ)એ જનસંઘ, સ્વાતંત્ર્ય પાર્ટી, સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી અને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી સાથે મળીને નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ ગઠબંધન બનાવ્યું. આ વિપક્ષી એકજૂથતા થવા છતાં ઈન્દિરા ગાંધીના ચૂંટણી રથને તેઓ રોકી શક્યા નહીં. ઈન્દિરા ગાંધીની પાર્ટીને 352 બેઠકો મળી. જે અગાઉની ચૂંટણી કરતા 93 બેઠકો વધુ હતી. મતોની ટકાવારી 43.68 ટકા હતી. જ્યારે ગઠબંધનને માત્ર 51 બેઠકો મળી. ગત વર્ષની સરખામણીમાં ગઠબંધનને 65 બેઠકોનું નુકસાન થયું. જ્યારે 24.34 ટકા મતો મળ્યાં હતાં.