ચિંતાજનક સમાચાર! આ શાળામાં થયો કોરોના `વિસ્ફોટ`, એક સાથે 29 બાળકો કોરોના પોઝિટિવ
ભારતમાં કોરોના (Corona) વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ મહામારીનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે.
કોલકાતા: ભારતમાં કોરોના (Corona) વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ મહામારીનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક શાળા (Nadia School) માં ઓછામાં ઓછા 29 બાળકોમાં કોવિડ-19 પુષ્ટિ થઈ છે. ત્યારબાદ શાળા સહિત આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ થયા સંક્રમિત
એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે નાદિયા જિલ્લાના કલ્યાણી સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના નવમા અને દસમા ધોરણના 29 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. (29 Students Test Positive for Covid-19) ત્યારબાદ વિદ્યાર્થીઓના માતા પિતાને આ અંગે જાણકારી અપાઈ છે અને તેમને ઘરે લઈ જવાનું કહેવાયું છે.
વિદ્યાર્થીઓને હોમ ક્વોરન્ટાઈનની સલાહ
કોવિડ-19થી સંક્રમિત મળી આવેલા 29 વિદ્યાર્થીઓને હોમ ક્વોરન્ટાઈનની સલાહ અપાઈ છે. કારણ કે તેમનામાં મામૂલી શરદી અને ઉધરસના લક્ષણો છે. કલ્યાણીના ઉપ મંડળ અધિકારી (SDO) હીરક મંડળે કહ્યું કે શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પણ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે તથા તમામને આઈસોલેટ કરાયા છે.
બંગાળમાં ખુલી છે શાળાઓ
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણના કેસમાં કમી આવ્યા બાદ આઠમાથી લઈને 12મા ધોરણ સુધી શાળા ખોલી દેવામાં આવી છે અને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવીને કક્ષાઓ ચાલે છે. જો કે હવે એક સાથે 29 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ શિક્ષકોથી લઈને વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે.
દેશમાં ઓમિક્રોનના 236 કેસ
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 236 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 104 લોકો જો કે સાજા થઈ ગયા છે અથવા તો બીજા સ્થળે ગયા છે. આ કેસ 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવ્યા છે.
કુલ કોરોના કેસ
આ બાજુ કુલ કોરોના કેસની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,495 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6,960 દર્દીઓ રિકવર થયા છે. એક જ દિવસમાં કોરોનાથી 434 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 78,291 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,78,759 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 1,39,69,76,774 ડોઝ અપાયા છે.