નવી દિલ્હીઃ ઈસરોએ પોતાના અસ્તિત્વના 53 વર્ષમાં ભારતને ઘણી વખત ગૌરવ અપાવ્યું છે. જો કે ચંદ્રયાન 3 મિશનની સફળતા ઈસરો માટે સીમાચિહ્નરૂપ છે. કેમ કે આ એ સફળતા છે, જેના પર ઈસરો સિવાય કોઈનું નામ નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ઈસરો આ મુકામ સુધી આખરે કેવી રીતે પહોંચી, વૈજ્ઞાનિકોએ કેવા પડકારોનો સામનો કર્યો, જોઈએ આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાકાય સિદ્ધિ મેળવવા શરૂઆત શૂન્યથી કરવી પડે છે. સંસાધનોની ભલે અછત હોય, પણ સપના મોટા હોય, તો ગમે ત્યાં પહોંચી શકાય છે.


આ તસવીરો આ વાતનો સૌથી મોટો પુરાવો છે. ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને જે સૌથી કપરું કામ પાર પાડ્યું છે, તેના પાયામાં આ તસવીરો છે. 


60 વર્ષ પહેલાં ઈસરોના વૈજ્ઞાનિકોએ રોકેટના પ્રક્ષેપણ માટે સાઈકલ અને બળદગાડાનો ઉપયોગ કર્યો હતો. રોકેટને પ્રક્ષેપણની જગ્યા સુધી લઈ જવા વાહન ન હોવાથી સાઈકલ અને બળદગાડાનો ઉપયોગ કરાયો હતો. ઉડાનનો આ પ્રયત્ન ભલે નાનો હતો, પણ તની પાછળના સપના ઘણા મોટા હતા. 


આ પણ વાંચોઃ ચંદ્ર પર પહોંચ્યું ચંદ્રયાન...જાણો હવે શું કામ કરશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર?


ડોક્ટર હોમી ભાભા અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિકોને પોતાની દુરદ્રષ્ટિમાં આશા હતી, આ જ કારણ છે કે તેમણે સાઈકલ અને બળદગાડાંના ઉપયોગ તેમજ તબેલામાં પ્રયોગશાળા ચલાવવામાં નામન ન અનુભવી...તેનું જ પરિણામ છે કે 60 વર્ષ પહેલાં કેરળના દરિયાકાંઠેથી પ્રક્ષેપિત કરાયેલું રોકેટ આજે ચંદ્રયાનને પ્રક્ષેપિત કરી શકે તેટલું શક્તિશાળી બન્યું છે.


સમય વિતતો ગયો, તેમ તેમ સપના સાકાર થતા ગયા, ભારતની સાથે ઈસરો પણ વિકાસની હરણફાળ ભરતું ગયું. આજે એ સમય આવ્યો છે, જ્યારે આખી દુનિયા ઈસરોને સલામ કરે છે. ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનત અને આયોજનની મિસાલ અપાય છે.


ભારતના અવકાશ કાર્યક્રમના પિતામહ ડોક્ટર વિક્રમ સારાભાઈએ જોયેલા સપનાનું આજે આખું ભારત સાક્ષી બન્યું છે. જે દેખાડે છે કે સપના જોઈને તેમને સાકાર કરવા મહેનત કરો, તો કોઈ લક્ષ્ય અશક્ય નથી.


આ પણ વાંચોઃ ચંદ્રયાન-3નું સફળ સોફ્ટ લેન્ડિંગ, હવે સૂર્ય અને શુક્ર સાથે જોડાયેલા મિશન ટાર્ગેટ


ઈસરોની ઐતિહાસિક સિદ્ધિ વખતે એક વાત યાદ કરવા જેવી છે કે  1975માં ભારતે પોતાનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો. આ માટે ભારતે રશિયાના રોકેટની મદદ લીધી હતી. આ ઐતિહાસિક ઘટનાના 48 વર્ષ બાદ ભારત અને રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ માટે રેસમાં હતા. આ રેસમાં ભારત ફાવી ગયું અને રશિયા નિષ્ફળ રહ્યું.  48 વર્ષમાં ભારત અંતરિક્ષ વિજ્ઞાનમાં ફક્ત આત્મનિર્ભર જ નથી બન્યું, પણ ઉદાહરણીય પણ બન્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube