Abundance In Millets: PM મોદીએ ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલુ સાથે મળીને લખેલું ગીત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું
Abundance In Millets: ભારતના સૂચન પર વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય જાડા અનાજ વર્ષ (International Year of Millets) તરીકે જાહેર કરાયું છે. જેને લઈને પીએમ મોદીએ એક વિશેષ ગીત બનાવવા માટે ગ્રેમી પુરસ્કાર વિજેતા સાથે મળીને કામ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાડા અનાજ (મિલેટ્સ)ના ફાયદા અને દુનિયામાં ભૂખમરાને ઓછું કરવાની તેમની ક્ષમતાને જણાવવા માટે ગ્રેમી પુરસ્કાર વિજેતા અને ભારતીય અમેરિકન ફાલૂ સાથે મળીને એક ગીત લખ્યું હતું. અબેન્ડેન્સ ઈન મિલેટ્સ. ગીતને મંબઈમાં જન્મેલી ગાયિકા અને ગીતકાર ફાલ્ગુની શાહ અને તેમના પતિ ગાયક ગૌરવ શાહે ગાયું છે. હવે આ ગીતને ગ્રેમી એવોર્ડમાં નોમિનેશન મળ્યું છે.
ફાલ્ગુની શાહ ફાલુના નામથી ઓળખાય છે. આ ગીત 16 જૂને રિલીઝ થયું હતું. અત્રે જણાવવાનું કે ભારતના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય જાડા અનાજ વર્ષ (International Year of Millets) તરીકે જાહેર કર્યું છે. ફાલૂએ આ ગીતના રિલીઝ પહેલા ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતીચીતમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ મારા અને મારા પતિ ગૌરવ શાહ સાથે મળીને આ ગીતને લખ્યું છે.
ફાલુને એ કલરફુલ વર્લ્ડ માટે સર્વશ્રેષ્ઠ બાળ આલ્બમ શ્રેણીમાં 2022માં ગ્રેમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ફાલુએ કહ્યું હતું કે ગ્રેમી જીત્યા બાદ ગત વર્ષે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત દરમિયાન તેમના મનમાં જાડા અનાજને લ ઈને એક ગીત બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે પરિવર્તન લાવવા અને માનવતાના ઉત્થાનમાં સંગીતની શક્તિ પર પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી અને તે દરમિયાન પ્રધાનમંત્રીએ તેમને ભૂખમરાને સમાપ્ત કરવાનો સંદેશ આપનારા ગીત લખવાનું સૂચન આપ્યું હતું. ફાલુએ કહ્યું કે સંગીત સીમામાં બંધાયેલું હોતું નથી આથી પીએમ મોદીએ જાડા અનાજ પર એક ગીત લખવાનું સૂચન આપ્યું હતું.
ફાલુએ એમ પણ કહ્યું હતું કે પીએમ મોદીએ તેમને જણાવ્યું કે જાડા અનાજ (મિલેટ્સ) એક અત્યંત પોષક અન્ન છે અને સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. ફાલુએ કહ્યું કે તેમણે ખુબ જ ભોળાભાવે પ્રધાનમંત્રીને પૂછ્યું કે શું તેઓ તેમની સાથે મળીને ગીત લખશે તો તેઓ સહમત થઈ ગયા હતા.