તૃપ્તિ દેસાઈની અટકાયત, પીએમ મોદીના કાફલાને રોકવાની આપી હતી ધમકી
મંદિરોમાં મહિલાઓના પ્રવેશને લઈને આંદોલન કરી રહેલ ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈની પોલીસે અટકાયત કરી છે.
પુણે: મંદિરોમાં મહિલાઓના પ્રવેશને લઈને આંદોલન કરી રહેલ ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈની પોલીસે અટકાયત કરી છે. તૃપ્તિ દેસાઈ શિરડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહી હતી. આ દરમિયાન તૃપ્તિ દેસાઈ અને પોલીસ વચ્ચે ખુબ ઉગ્ર દલીલબાજી થઈ. પોલીસે તૃપ્તિ દેસાઈને કારમાં બેસાડી દીધી. અત્રે જણાવવાનું કે પીએમ મોદી આજે શિરડીની મુલાકાતે છે. સાઈ બાબાની સમાધિના સો વર્ષ પૂરા થયાના અવસરે આખુ વર્ષ ચાલેલા મહોત્સવના સમાપન સમારોહમાં ભાગ લેશે.
ગુરુવારે તૃપ્તિ દેસાઈએ અહેમદનગરના એસપીને પત્ર લખીને કહ્યું હતું કે તેમની પીએમ મોદી સાથે મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવે. તૃપ્તિ દેસાઈ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને પીએમ મોદી સાથે વાત કરવા માંગતી હતી. તૃપ્તિ દેસાઈએ ધમકી આપી હતી કે જો તેમની પીએમ મોદી સાથે મુલાકાતની વ્યવસ્થા ન કરવામાં આવી તો તે પોતાના સમર્થકો સાથે પીએમ મોદીના કાફલાને શિરડી પહોંચતા પહેલા જ રોકશે.
તૃપ્તિ દેસાઈએ કહ્યું કે તેના ઘરની બહાર સવારથી જ પોલીસ તહેનાત હતી. જેવી તે પોતાના સમર્થકો સાથે ઘરની બહાર નીકળી કે પોલીસે અટકાયત કરી લીધી. તૃપ્તિએ કહ્યું કે વિરોધ કરવો એ અમારો બંધારણીય હક છે, અમને ઘરમાં જ રોકી દેવાયા. આ અમારો અવાજ દબાવવાની કોશિશ છે.
અત્રે જણાવવાનું કે કેરળ સ્થિત સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર રોકને લઈને બીજા દિવસે પણ તણાવ યથાવત જોવા મળ્યો. સ્થાનિક મહિલાઓ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો વિરોધ કરી રહી છે.
અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિરડીમાં સાઈબાબાની સમાધિના સો વર્ષ પૂરા થયાના અવસર પર આખુ વર્ષ ચાલેલા મહોત્સવના સમાપન સમારોહમાં ભાગ લેશે. વડાપ્રધાન એક ખાસ વિમાન દ્વારા શિરડીના નવા એરપોર્ટ પર ઉતરણ કરશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા શ્રી સાઈબાબા સંસ્થાન ન્યાસ (એસએસએસટી) માટે રવાના થશે. ત્યાં મંદિરમાં વિશેષ પૂજા કર્યા બાદ એક વિશેષ ધ્વજા ફરકાવશે.
ગત વર્ષે દશેરા પર શરૂ થયેલા શિરડી સાઈ સમાધિ શતાબ્દી મહોત્સવની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શતાબ્દી ધ્વજ આરોહણ કરીને કરી હતી. જ્યારે આ વખતે દશેરાના અવસરે આરતી બાદ વડાપ્રધાન આ શતાબ્દી ધ્વજ આવતરણ (નીચે ઉતારવાનું) કરીને આ મહોત્સવના સમાપનની જાહેરાત કરશે.
આ 4 મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો થશે શિલાન્યાસ
1) 40 કરોડ રૂપિયાના ખર્ચવાળા 10 મેગાવોટ ક્ષમતાના સોલર પાવર સિસ્ટમનું ભૂમિપૂજન. શિરડી મંદિરની હાલની જરૂરીયાત 12 મેગાવોટ વીજળી છે જેમાંથી 2 મેગાવોટ વીજળી પવનચક્કીથી ઉત્પન્ન કરાય છે જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થવાથી બાકીની 10 મેગાવોટ વીજળીની આપૂર્તિ પણ શિરડી પોતે જ કરશે.
2) 158 કરોડ રૂપિયાના ખર્ચથી બનનારા હાઈટેક એજ્યુકેશનલ કોમ્પલેક્સનું ઉદ્ધાટન થશે. જેમાં શાળા, કોલેજ, ઓડિટોરિયમ, પ્લેગ્રાઉન્ડ, લાઈબ્રેરી, લેબોરેટરી સહિત અન્ય સ્ટેટ ઓફ ધી આર્ટ સુવિધાઓ હશે.
3) 166 કરોડ રૂપિયાના ખર્ચથી બનશે સાઈ નોલેજ પાર્ક. જેમાં સાઈના જીવન સંબંધિત જાણકારીઓ, મ્યુઝિયમ, થીમ પાર્ક વગેરે સામેલ છે.
4) શિરડી આવનારા સાઈ ભક્તો માટે માત્ર 1 જ કલાકમાં સાઈ દર્શન થઈ શકે તે માટે 112 કરોડ રૂપિયાના ખર્ચથી ગ્રાઉન્ડ પ્લસ ટુ દર્શન હોલનું નિર્માણ કરવામાં આવશે. તેની મદદથી એક જ સમયે લગભગ 18000 સાઈ ભક્તો લાઈનમાં ઊભા રહીને સરળતાથી દર્શન કરી શકશે અને ટર્મિનલને સ્કાઈવોકથી સીધો જ સમાધિ મંદિર સુધી જોડાશે.