અભિનેતા પ્રકાશ રાજ લડશે લોકસભા ચૂંટણી, ભાજપના આ દિગ્ગજ નેતાની સામે પડ્યા મેદાનમાં
રાજકારણમાં આવવાની જાહેરાત કરી ચૂકેલા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખુબ પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે શનિવારે કહ્યું કે તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
નવી દિલ્હી: રાજકારણમાં આવવાની જાહેરાત કરી ચૂકેલા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખુબ પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે શનિવારે કહ્યું કે તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ બેંગ્લુરુ સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે.
વર્ષ 2008માં પરિસીમન બાદ અસ્તિત્વમાં આવેલી બેંગ્લુરુ સેન્ટ્રલ બેઠક હાલ ભાજપના કબ્જામાં છે. પાર્ટીના દિગ્ગજ નેતા પીસી મોહન આ બેઠકથી સતત બીજીવાર ચૂંટાઈને સંસદમાં પહોંચ્યાં છે. સાંસદ મોહને 2014ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર એચટી સંગલિયાનાને 35000થી વધુ મતોથી હરાવ્યાં હતાં. અત્રે જણાવવાનું કે બેંગ્લુરુ નોર્થ બેઠકના પૂર્વ સાંસદ સંગલિયાના કર્ણાટકના પૂર્વ ડીજીપી રહી ચૂક્યા છે.
આ લોકસભા વિસ્તારમાં અલ્પસંખ્યક મતદારોનું વર્ચસ્વ છે. 5.5 લાખ તમિલ, 4.5 લાખ મુસ્લિમ અને 2 લાખ ખ્રિસ્તી મતદારો બેંગ્લુરુ સેન્ટ્રલ સંસદીય મતવિસ્તારના સાંસદને ચૂટે છે.
8 વિધાનસભા બેઠકો
બેંગ્લુરુ સેન્ટ્રલ મતવિસ્તાર હેઠળ સર્વગનાનગર, સીવી રમન નગર, શિવાજીનગર, શાંતિ નગર, ગાંધીનગર, રાજાજી નગર, ચામરાજાપેટ અને મહાદેવપુરા સહિત 8 વિધાનસભા બેઠકો આવે છે. જેમાંથી 5 કોંગ્રેસ પાસે અને 3 ભાજપ પાસે છે.
રાજકારણમાં આવવાની જાહેરાત
મંગળવારે પ્રકાશ રાજે ટ્વિટ કરી હતી કે બધાને નવા વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષની શરૂઆત, જવાબદારીઓ... તમારા સમર્થનથી હું આગામી લોકસભા ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડીશ. સંસદમાં અબ કી બાર જનતા કી સરકાર....
અનેકવાર રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકેલા પ્રકાશ રાજ સોશિયલ મીડિયા અને સાર્વજનિક મંચો પર મોદી અને ભાજપની છાશવારે આલોચના કરતા હોય છે. ખાસ કરીને અસહિષ્ણુતાને લઈે. નવેમ્બરમાં પણ તેમણે એક ટ્વિટ કરી હતી કે જેમાં લખ્યું હતું કે પ્રિય સર્વોચ્ચ નેતા...અન્ય પાર્ટીઓને અપશબ્દોના ઉપયોગ નહીં કરવાનું જ્ઞૈાન આપતા પહેલા શું તમે અને તમારી પાર્ટી સૌથી પહેલા સ્વચ્છ ભઙારતની શરૂઆત તમારી બદઝુબાન ચોખ્ખી કરીને શરૂ કરશો.
પ્રકાશ રાજે પહેલા દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરવાના કારણે બોલિવૂડમાં તેમને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ છે. પ્રકાશ રાજ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે. તેમણે ઈરુવર, કાંચીવરમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે બોલિવૂડમાં પણ સિંઘમ, વોન્ટેડમાં તેઓ કમાલ બતાવી ચૂક્યા છે.