આજે ફરી ભારત બંધ, દેશભરમાં અનેક જગ્યાએ કર્ફ્યૂં, ઇન્ટરનેટ સેવા ઠપ્પ
ગત 2 એપ્રિલના રોજ દલિત સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવેલા ભારત બંધ દરમિયાન ભડકેલી હિંસાના વિરોધમાં આજે (મંગળવારે) દેશભરમાં ઘણા સંગઠનોએ ફરી ભારતબંધનું આહવાન કર્યું છે.
નવી દિલ્હી: ગત 2 એપ્રિલના રોજ દલિત સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવેલા ભારત બંધ દરમિયાન ભડકેલી હિંસાના વિરોધમાં આજે (મંગળવારે) દેશભરમાં ઘણા સંગઠનોએ ફરી ભારતબંધનું આહવાન કર્યું છે. ભારત બંધ દરમિયાન હિંસક ઘટનાઓ ન થાય, તેના માટે કેંદ્ર અને રાજ્ય સરકારોએ સખત તૈયારીઓ કરી છે અને ભારે સંખ્યામાં સુરક્ષાબળોને ગોઠવવામાં આવ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં સંવેદનશીલ જગ્યાઓ પર કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. ખાસકરીને તે જગ્યાઓ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યાં ગત 2 એપ્રિલના રોજ હિંસા થઇ હતી. ઘણી જગ્યાએ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
હિંસા થઇ તો ડીએમ-એસપીની મુશ્કેલીઓ વધશે
કેંદ્રીય ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને આકરી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને ભારત બંધના સંબંધમાં પરામર્શ કરતાં કહ્યું છે કે જો કોઇ વિસ્તારમાં હિંસા થઇ તો તેના માટે ત્યાંના જિલ્લાધિકારી અને પોલીસ અધીક્ષક વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. એટલે કે હિંસા થતાં તેમની મુશ્કેલીઓ વધી જશે. મંત્રાલયે એડવાઇઝરીમાં એમપણ કહ્યું છે કે કેટલાક સમુહો દ્વારા સોશિયલ મીડિયા પર 10 એપ્રિલના રોજ બોલાવવામાં આવેલા બંધને ધ્યાનમાં રાખતાં જરૂરી સાવધાની વર્તવા માટે પગલાં ભરવામાં આવે.
રાજસ્થાનમાં આકરી સુરક્ષા વ્યવસ્થા, ઇન્ટરનેટ સેવા બંધ
ભારત બંધના આહવાનને જોતાં રાજસ્થાનમાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) એનઆર રેડ્ડીએ જણાવ્યું કે આહવાનને જોતાં જયપુર શહેરમાં સીઆરપીસીની કલમ 144 લાગૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મંગળવારથી આગામી 24 કલાક માટે જયપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે. તેમણે કહ્યું કે મંગળવારે ના કોઇ રેલી નિકાળવામાં આવશે, ના તો લોકો એકત્રિત થઇ શકશે. રેંજના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ, જિલ્લા કલેક્ટર્સ, પોલીસ કમિશ્નરોને આવા તત્વો સાથે સખતાઇપૂર્વક વર્તવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારમાં આકરી સુરક્ષા વ્યવસ્થા
બીજી તરફ મધ્ય પ્રદેશના અનેક ભાગમાં સુરક્ષાના ભાગરૂપે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વખતે દલિત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના એલાન દરમિયાન હિંસા ભડકતાં મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને ચંબલ સંભાગમાં 8 લોકોના મોત નિપજ્યા હતા. ભોપાલના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ધમેંદ્ર ચૌધરીએ કહ્યું કે મંગળવારના બંધને જોતા પોલીસ સોશિયલ મીડિયાના સંદેશો પર વિશેષ ધ્યાન આપી રહી છે. તેમણે કહ્યું કે 'સોશિયલ મીડિયા પર નફરતભર્યા સંદેશોને ફેલાવનાર લોકો વિરૂદ્ધ આઇપીસી કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ભોપાલમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. પરંતુ સ્કૂલ, સરકારી ઓફિસ અને બેંક સામાન્ય દિવસોની માફક કામ કરશે. બંધને જોતાં સુરક્ષા વ્યવસ્થા સખત રહેશે. જોકે અહીં કોઇ સંગઠન બંધના સમર્થનમાં આગળ આવ્યું નથી.
ચંબલ, ભિંડમાં કર્ફ્યૂં લગાવ્યો, ઇન્ટર સેવા પણ સ્થગિત
ચંબલ પોલીસ રેંજના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સુધીર લાડે જણાવ્યું કે કોઇપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને રોકવા માટે ભિંડમાં સોમવારે 9 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી કર્ફ્યૂં લગાવવામાં આવ્યો છે. ચંબલ સંભાગમાં અફવાઓ પર નિયંત્રણ માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. તો બીજી તરફ ભિંડના કલેક્ટર ઇલેયા રાજા ટીએ કહ્યું કે હિંસાનો કોઇપણ ઘટનાઓ સામનો કરવા માટે હાલમાં આરએએફ અને એસએએફની છ કંપનીઓ ગોઠવવામાં આવી છે. તથા જરૂરિયાત જણાતા વધુ કંપનીઓ બોલાવવામાં આવશે. બે એપ્રિલના રોજ બંધ દરમિયાન ભડકેલી હિંસામાં ભિંડ જિલ્લામાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. સાગર જિલ્લામાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. ત્યાં પણ બે એપ્રિલના રોજ વિરોધ પ્રદર્શન થયા હતા.