Old Pension Scheme: જૂની પેન્શન યોજના (Old Pension Scheme) અંગે ફરીથી એકવાર સરકાર તરફથી સદનમાં નિવેદન આવ્યું છે. સોમવારે બજેટ સત્રની શરૂઆત થઈ. સત્રના પહેલા દિવસે સોલાપુરથી કોંગ્રેસ લોકસભા સાંસદ પ્રણતિ સુશીલકુમાર શિંદેએ જૂની પેન્શન સ્કીમ અંગે સવાલ કર્યો. આ સાથે જ તેમણે અસંગઠિત ક્ષેત્રના કામદારોને 2013 બાદથી ઉપલબ્ધ કરાયેલા પેન્શનનો રાજ્યવાર ડેટા પણ સદનમાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યું. લોકસભામાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ સવાલોના લેખિતમાં જવાબ આપ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OPS પર શું છે સરકારનો અભિપ્રાય?
લોકસભા સાંસદ પ્રણિતિ શિંદેએ સવાલ પૂછ્યો કે શું સરકાર જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો વિચાર ધરાવે છે, જો હા તો 1 જાન્યુઆરી 2004 બાદ સેવામાં આવેલા તમામ લોકો માટે તેને ક્યાં સુધીમાં લાગૂ કરવાની શક્યતા છે? જેના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્રીય સરકારી કર્મચારીઓના સંબંધમાં જૂની પેન્શન યોજનાને બહાલ કરવા માટે હાલ ભારત સરકાર પાસે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. 


અસંગઠિત ક્ષેત્ર માટે પેન્શન મુદ્દે સરકાર
સાંસદ પ્રણિતિ શિંદેએ પૂછ્યું કે શું સરકાર પાસે 2013થી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને અપાયેલા પેન્શનના રાજ્યવાર કોઈ આંકડા છે? જેના જવાબમાં નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સોશિયલ સિક્યુરિટી માટે 2015માં અટલ પેન્શન યોજના (APY) શરૂ કરવામાં આવી છે. બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતાવાળા 18-40 વર્ષની આયુના તમામ ભારતીયો આ એકાઉન્ટ ખોલાવી શકે છે. ઓક્ટોબર 2022થી ઈન્કમ ટેક્સ પેયર્સ માટે આ સ્કીમ બંધ કરી દેવાઈ. જેથી કરીને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ગેરંટીકૃત પેન્શનનો વધુમાં વધુ લાભ મળે. 


APY હેઠળ સબસ્ક્રાઈબરને પસંદ કરાયેલા પેન્શનની રકમ અને યોજનામાં સામેલ થવાની ઉંમરના આધારે માસિક/ત્રિમાસિક/છ મહિને એકવાર અંશદાન કરવાનું હોય છે. સબસ્ક્રાઈબરને 60 વર્ષની ઉંમર બાદ મૃત્યુ સુધી પસંદ કરાયેલા અંશદાનના આધારે 1000 રૂપિયા પ્રતિ માસ, 2000 રૂપિયા માસિક, 3000 રૂપિયા માસિક , 4000 રૂપિયા માસિક કે 5000 રૂપિયા માસિકનું ન્યૂનતમ પેન્શન સરકાર તરફથી ગેરંટીથી મળશે. આ ઉપરાંત યોજના મુજબ સબસ્ક્રાઈબરને 60 વર્ષની ઉંમર થતા પેન્શનનો લાભ મળશે. આથી APY હેઠળ પેન્શન લાભ 2025થી શરૂ  થવાની આશા છે. 


નાણા રાજ્યમંત્રીએ આ ઉપરાંત જણાવ્યું કે 2019માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PMSYM) પેન્શન યોજના પણ શરૂ કરાઈ છે જેનો હેતુ વૃદ્ધાવસ્થા સુરક્ષા કવર ઉપલબ્ધ કરાવવાનો છે. તે 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા માસિક પેન્શન પ્રદાન કરે છે. 18-40 વર્ષની ઉંમરના એ શ્રમિકો જેમની માસિક આવક 15000 રૂપિયા કે તેનાથી ઓછી છે અને જે EPFO/ESIC/NPS ના સભ્ય નથી તેઓ PMSYM યોજનામાં સામેલ થઈ શકે છે. આ યોજના 2019માં શરૂ કરાઈ હતી. આથી પહેલી ચૂકવણી 2039માં શરૂ થશે.