ભારત બંધ દરમિયાન બિહારમાં બાળકીનું મોત, ભાજપે કહ્યું કોંગ્રેસ છે જવાબદાર
ભારત બંધ દરમિયાન બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું, ભારત બંધ થવાનાં કારણે વાહન વ્યવહાર અને નિયમિત જીવન ચર્યા પર અસર પડી હતી
જહાનાબાદ : પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતો મુદ્દે ભારત બંધનું કોંગ્રેસ સહિત 21 વિપક્ષીય પાર્ટીઓ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું. બિહારમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી. આ દરમિયાન બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. બંધા કારણે વિવિધ સ્થળો પર વાહનોનુ સંચાલન બંધ થયું હતું. બિહારનાં જહાનાબાદમાં બંધના કારણે બાળકી મોડેથી હોસ્પિટલ પહોંચી. ત્યા સુધીમાં રસ્તામાં જ તેનું મૃત્યુ થઇ ચુક્યું હતું. સત્તાધારી પાર્ટી ભાજપે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને સ્પષ્ટતા માંગી છે.
આ ઘટના ગજા જિલ્લાનાં નગર પોલીસ સ્ટેશનાં બાલાબિગહા ગામની છે. બાળકીનાં પિતાનું કહેવું છે કે જો તેમને ગાડી ચાલતી રહી હોત તો બાળકીનો જીવ બચાવી શકાયો હોત. યોગ્ય સમયે બાળકીને સારવાર ન મળી શકવાનાં કારણે તેનું મોત નિપજ્યું છે. બાળકીની તબિયત છેલ્લા બે દિવસથી ખરાબ હતી. જો કે આજે વધારે ખરાબ થઇ જતા તેને હોસ્પિટલ લઇ જવાઇ રહી હતી.
ગ્રામીણ વિસ્તાર હોવાનાં કારણે અહીં એમ્બ્યુલન્સ પહોંચે તે શક્ય નહોતું. યોગ્ય સમયે એમ્બ્યુલન્સ નહી મળવાનાં કારણે બાળકીનું મોત નિપજ્યું હતું.
ભાજપે કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો
ભારત બંધ મુદ્દે ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે, તમામને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ આજે શું થઇ રહ્યું છે ? પેટ્રોલ પંપો અને બસોમાં આગચંપી થઇ રહી છે. લોકોનાં જીવ ખતરામાં નંખાઇ રહ્યા છે. જહાનાબાદમાં બાદમાં એક બાળકીનું મોત નિપજ્યું. કારણ હતું એમ્બ્યુલન્સને બંધ સમર્થકોએ પસાર થવા દીધી નહોતી. શું કોંગ્રેસ આનો જવાબ આપશો, આ ઘટના માટે જવાબદાર કોણ ?
આ મુદ્દે જેડીયુનાં પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે કોના હિત માટે બંધનું આહ્વાહન કરવામાં આવ્યું હતું ? આ બંધથી સામાન્ય માણસની સમસ્યા ઘટવાનાં બદલે વધી છે. જો કે આ ઘટના અંગે જહાનાબાદનાં એસડીઓ પરિતોષ કુમારે જણાવ્યું કે બાળકીનું મોત ભારત બંધ કે ટ્રાફીક જામના કારણે નથી થયું. બાળકીનો પરિવાર હોસ્પિટલ જવા માટે જ મોડો નિકળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી હતી. ઘણા સ્થળો પર હિંસક પ્રદર્શન પણ જોવા મળ્યા હતા. અલગ અલગ સ્થળો પર નારેબાજી અને આગચંપની ઘટનાઓ પણ બની. માર્ગ અને રેલ્વે માર્ગને પણ અટકાવવાનાં પ્રયાસો થયા. બંધની અસર વહેલી સવારથી જ જોવા મળી હતી. કોંગ્રેસ, આરજેડી સહિત વિપક્ષની 20 પાર્ટીઓનાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા.