બિહારઃ આતંકવાદી જાહેર થઈ શકે છે ધારાસભ્ય અનંત સિંહ, ઘરમાંથી મળી હતી AK-47
મોકમાના ધારાસભ્ય અનંત સિંહ કે જેઓ `મોકમાના ડોન` તરીકે જાણીતા છે, તેમની સામે આર્મ્સ એક્ટ, એક્સપ્લોસિવ એક્ટ અને અનલોફૂલ એક્ટિવિટિઝ (પ્રિવેન્સન) એક્ટ - UAPA અંતર્ગત બિહારના બારહ વિસ્તારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે
પટનાઃ બિહારના મોકમાના ધારાસભ્ય અનંત સિંહની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. શુક્રવારે અનંત સિંહના ઘરે પાડવામાં આવેલા દરોડામાં AK-47 રાઈફલ અને હેન્ડ ગ્રેન્ડ મળી આવ્યા હતા. પોલિસે મોકમાના ધારાસભ્ય અનંત સિંહ કે જેઓ 'મોકમાના ડોન' તરીકે જાણીતા છે, તેમની સામે આર્મ્સ એક્ટ, એક્સપ્લોસિવ એક્ટ અને અનલોફૂલ એક્ટિવિટિઝ (પ્રિવેન્સન) એક્ટ - UAPA અંતર્ગત બિહારના બાઢ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે અનંત સિંહ અને તેના ઘરની દેખરેખ રાખતા સુનીલ રામ સામે કેસ દાખલ કર્યો છે. સુનીલ રામની ધરપકડ કરવામાં આવી છે. અનંત સિંહની ધરપકડ કરવા માટે કોર્ટમાં વોરન્ટ માટે અરજી દાખલ કરાઈ છે. મરજી મળવાની સાથે અનંત સિંહ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
UAPA અંતર્ગત થશે કાર્યવાહી
ભારતમાં 1967માં UAPA કાયદો બન્યો હતો, જેના અંતર્ગત જો કેઈ સંગઠન કે વ્યક્તિ દેશના સાર્વભૌમત્વ અને અખંડિતા સામે ખતરો હોય કે વિવિધ સમુદાય વચ્ચે વેરભાવ ફેલાવે તો તેની સામે આ કાયદા અંતર્ગત કેસ દાખલ કરી શકાય છે. તાજેતરમાં જ કેન્દ્રની મોદી સરકારે આ કાયદામાં સંશોધન કરીને તેને વધુ કઠોર બનાવ્યો હતો. નવા કાયદા મુજબ આતંકવાદી ગતિવિધિમાં સામેલ હોવાની આશંકા પર સંગઠન ઉપરાંત કોઈ એકલા વ્યક્તિને પણ આતંકવાદી જાહેર કરી શકાય છે.
પોલીસ અનંતસિંહના ઘરે મળેલી AK-47ના તાર મુંગેરની ઘટના સાથે જોડી રહી છે. મુંગેરના ડીઆઈજી મનુ મહારાજે જણાવ્યું કે, તેઓ બાઢ પોલીસનો સંપર્ક કરીને ધારાસભ્યના ઘરેથી પકડાયેલી AK-47ના તાર મુંગેર સાથે જોડાય છે કે નહીં તેની તપાસ કરશે અને પછી આગળની કાર્યવાહી કરશે.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...