Bihar Election result: NDAની ભવ્ય જીત બાદ PM મોદીએ કહ્યું- `બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો`
પીએમ મોદીએ કહ્યું કે, બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો છે. આજે બિહારે દુનિયાને ફરીથી જણાવ્યું છે કે લોકતંત્ર કેવી રીતે મજબૂત કરાય છે.
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. મોડી રાતે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બિહારની જનતા અને એનડીએના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો.
આરજેડી બની સૌથી મોટી પાર્ટી
વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે.
પીએમ મોદીએ જનતાનો માન્યો આભાર
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો છે. આજે બિહારે દુનિયાને ફરીથી જણાવ્યું છે કે લોકતંત્ર કેવી રીતે મજબૂત કરાય છે. રેકોર્ડ સંખ્યામાં બિહારમાં ગરીબ, વંચિત, અને મહિલાઓએ પણ મત આપ્યો અને આજે વિકાસ માટે પોતાનો નિર્ણાયક નિર્ણય આપ્યો છે." તેમણે કહ્યું કે "બિહારના પ્રત્યેક મતદારે સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ આકાંક્ષી છે અને તેમની પ્રાથમિકતા ફક્ત અને ફક્ત વિકાસ છે. બિહારમાં 15 વર્ષ બાદ પણ NDAના સુશાસને ફરીથી આશીર્વાદ મળવા એ દેખાડે છે કે બિહારના સપના શું છે અને બિહારની શું અપેક્ષાઓ છે."
ચૂંટણીમાં મળી રહેલી જીત જોઈ બોલ્યા યોગી- એક વાર ફરી સાબિત થયું, મોદી હૈ તો મુમકિન હૈ
બહેનો-દીકરીઓએ કર્યું રેકોર્ડબ્રેક મતદાન
બિહારની મહિલાઓને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે, "બિહારની બહેનો-દીકરીઓએ આ વખતે રેકોર્ડબ્રેક મતદાન કરીને દેખાડી દીધુ કે આત્મનિર્ભર બિહારમાં તેમની ભૂમિકા મોટી છે. અમને સંતોષ છે કે વીતેલા વર્ષોમાં બિહારની માતૃશક્તિને નવો આત્મવિશ્વાસ આપવાનો NDAને અવસર મળ્યો. આ આત્મવિશ્વાસ બિહારને આગળ વધારવામાં અમને શક્તિ આપશે." તેમણે કહ્યું કે, "બિહારના ગામ-ગરીબ, ખેડૂતો-શ્રમિક, વેપારીઓ-દુકાનદાર, દરેક વર્ગે NDAના સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મૂળ મંત્ર પર ભરોસો વ્યક્ત કર્યો છે. હું બિહારના દરેક નાગરિકને ફરીથી આશ્વસ્ત કરું છું કે દરેક વ્યક્તિ, દરેક ક્ષેત્રના સંતુલિત વિકાસ માટે અમે પૂરેપૂરા સમર્પણથી સતત કામ કરતા રહીશું."
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube