નવી દિલ્હી: કર્ણાટકમાં સરકારની રચના માટેની જે ઉથલપાથલ ચાલી રહી છે તે દરમિયાન રાજ્યપાલે આજે ભાજપને સૌથી વધુ બેઠકો મળી હોવાના કારણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. યેદિયુરપ્પા આવતી કાલે સવારે 9 વાગે શપથ લેશે. આ દરમિયાન ભાજપના નેતા રવિશંકર પ્રસાદે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. પ્રસાદે કહ્યું કે જે પાર્ટીએ સૌથી વધુ સમય સુધી દેશમાં કટોકટી લાદી તે અમને મર્યાદા ન શીખવાડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિશંકર પ્રસાદે  કહ્યું કે 6 ડિસેમ્બર 1992ની ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીએ જ્યાં પણ ભાજપની સરકાર હતી તેને બરખાસ્ત કરી નાખી. ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી હતી પરંતુ મધ્ય પ્રદેશ, રાજ્સ્થાન અને દિલ્હીમાં પણ સરકારો પાડવામાં આવી. કોંગ્રેસે રાજ્યોમાં ગેરબંધારણીય રીતે કટોકટી લાગુ કરી અને ન્યાયપાલિકાનું પણ દમન કર્યું. બંધારણના ચીથરે ચીથરા ઉડાવનારી પાર્ટી અમને બંધારણની મર્યાદા ન શીખવાડે.



પ્રસાદે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે નવી ચૂંટણીના આધાર પર જે પરિસ્થિતિ પેદા થઈ હશે તેમાં રાજ્યપાલ કોને બોલાવશે તેના પર અમે (સુપ્રીમ કોર્ટ) કોઈ વિચાર આપી શકે નહીં. પ્રસાદે કહ્યું કે સરકારી અને એમએમ પૂંચી કમિશનનો રિપોર્ટ જોઈએ તો રાજ્યપાલ કોને સરકાર બનાવવા માટે બોલાવશે તે સ્પષ્ટ થઈ જાય છે. તેમણે એમ પણ કહ્યું કે પહેલા નંબર પર બહુમત હાંસલ કરનારા ચૂંટણી પૂર્વ ગઠબંધનને આમંત્રણ મળશે, ત્યારબાદ સૌથી મોટી પાર્ટી જો પૂરતો બહુમત હોવાનો દાવો કરતી હોય અને ત્યારબાદ ત્રીજા નંબરે ચૂંટણી બાદ ગઠબંધન કરનારી પાર્ટીને પ્રાથમિકતા આપવામાં આવશે.


પ્રસાદે કહ્યું કે લોકોની સદ્ભાવના, લોકોના મતોના આશીર્વાદ ભાજપના પક્ષમાં છે. કોંગ્રેસ પાર્ટી મેન્ડેટને લૂટવાનો પ્રયત્ન કરી રહી છે. કર્ણાટકમાં ભાજપ એક બહુમતની સરકાર ચલાવશે અને જનતાના આશીર્વાદથી ચલાવશે.