રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ મંગળવારે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવતા કહ્યું કે તેમના ધક્કાથી હું પડી ગયો અને મારા માથામાં ઈજા થઈ. આ મામલે રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું છે. જાણો વિગતો.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ભાજપના સાંસદ સારંગીનો દાવો છે કે રાહુલ ગાંધીના ધક્કાથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી શકે છે. સારંગીએ કહ્યું કે હું સીડીઓ પર ઊભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા. જેનાથી હું પડી ગયો અને ઈજાગ્રસ્ત થયો.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રહ્લાદ જોશી રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચી ગયા છે. પ્રતાપ સારંગીના હાલચાલ જાણવા તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે. સંસદ પરિસરમાં ભાજપના સાંસદ સાથે ધક્કામુક્કીની જાણકારી પીએમ મોદીને આપવામાં આવી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પણ રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા અને હાલચાલ જાણ્યા. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ પાત્રાએ જણાવ્યું કે હાલ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત આઈસીયુમાં છે. બંનેનું ખુબ લોહી વહી ગયું છે. તેઓ ડોક્ટરોની નિગરાણી હેઠળ છે.
સૂત્રોના હવાલે મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પ્રતાપ સારંગી મામલે ભાજપ પ્રોટેસ્ટના વીડિયો ફંફોળી રહ્યું છે. રાહુલ ગાંધી દ્વારા ભાજપ સાંસદને ધક્કો મારવાનો વીડિયો મળે તો ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી શકે છે.
રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
પ્રતાપ સારંગના આરોપ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે કેમેરામાં બધુ કેદ છે. હું સદનમાં જવાની કોશિશ કરતો હતો. ભાજપના સાંસદોએ મને ધકેલ્યો અને ધમકાવ્યો. ખડગેજીને પણ ધક્કો માર્યો. ધક્કામુક્કીથી કશું વળતું નથી. ભાજપના સાંસદ અમને સંસદમાં જતા રોકી શકે નહીં. તેમણે કહ્યું કે હું સંસદની અંદર જવા માંગતો હતો. સંસદમાં જવું એ મારો અધિકાર છે અને મને રોકવાની કોશિશ કરાઈ. અમને સંસદની અંદર જતા રોકવામાં આવ્યા. ભાજપના સાંસદ મારી સાથે ધક્કા મુક્કી કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ સંસદનું એન્ટ્રન્સ છે. ભાજપના સાંસદ મને ધકેલી રહ્યા હતા. ધમકાવી રહ્યા હતા. ભાજપના સાંસદોએ એન્ટ્રન્સ રોકી દીધુ. તેઓ મને સતત ધક્કા મારી રહ્યા હતા અને ધમકાવતા હતા.
અમિત શાહ મામલે વિરોધ પ્રદર્શન
અત્રે જણાવવાનું કે આજે ઈન્ડિયા બ્લોક અમિત શાહ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના વિરોધમાં તેમના રાજીનામા અને માફીની માંગણી કરતા ઈન્ડિયા બ્લોક પ્રોટેસ્ટ માર્ચ કરી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. તેમનો અપરાધ અક્ષમ્ય છે. સમગ્ર તંત્ર તેમને બચાવવામાં લાગ્યું છે. જે ગૃહમંત્રીએ કહ્યું, અમે એ વાત કરી રહ્યા છે. તેમના શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા નથી. તેઓ માફી માંગવાની જગ્યાએ ધમકાવી રહ્યા છે. અમે તેમની ધમકીઓથી ડરીશું નહીં.