નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણથી થઈ છે. રાષ્ટ્રપતિએ સંસદના બંને સદનને આજે સયુંક્ત સંબોધન કર્યું. ત્યારબાદ સદનની કાર્યવાહી ઔપચારિક રીતે શરૂ થઈ. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને સદનમાં હાજર છે. સંસદના બંને સદનને કરેલા સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે મારી સરકારે 21 કરોડ ભારતીયોને જીવન જ્યોતિ યોજનાનો લાભ પહોંચાડ્યો. આવાસ યોજના હેટળ 1.30 કરોડ લોકોને ઘરોની ચાવી સોંપવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિના સંબોધનના મુખ્ય અંશો...

- હું સમગ્ર રાષ્ટ્ર તરફથી એ શહીદોને સલામ કરું છું જેમણે દેશ માટે પ્રાણોની આહૂતિ આપી. 
- મારી સરકારના પ્રયત્નોમાં શોષણની રાજનીતિ વિરુદ્ધ જાગૃતિ ફેલાવનારા રામ મનોહર લોહિયાનો અવાજ પણ છે. 
- 2014માં મારી સરકારે એક નવું ભારત બનાવ્યું. એવું ભારત કે જેમાં અસ્વચ્છતા માટે કોઈ સ્થાન ન હોય. સમાજની છેલ્લી પંક્તિમાં ઊભેલા વ્યક્તિ સુધી બધુ પહોંચે.
- 2019નું વર્ષ દેશ માટે ખુબ મહત્વનું છે.
- સામાજિક ન્યાયના આદર્શોની સાથે આગળ વધીશું. આ સોચે મારી સરકારની યોજનાઓને આધાર આપ્યો. 
- રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી સરકારે 21 કરોડ ભારતીયોને જીવન જ્યોતિ યોજનાનો લાભ પહોંચાડ્યો., આવાસ યોજના હેઠળ 1.30 કરોડ લોકોને ઘરોની ચાવી અપાઈ.
- સ્વચ્છ ભારત દ્વારા લાખો શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તમામની પાયાની જરૂરિયાતો પૂરી કરવાનું લક્ષ્યાંક.
- આપણો દેશ ગાંધીજીના સપના મુજબ, નૈતિકતાના આધારે સમાવેશી સમાજનુ નિર્માણ કરી રહ્યો છે. આપણો દેશ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા અપાયેલા બંધારણના સામાજિક અને આર્થિક ન્યાયના આદર્શો સાથે આગળ વધી રહ્યો છે. 


- સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 9 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું છે. આ જન આંદોલનના કારણે આજે ગ્રામીણ સ્વચ્છતાનો દાયરો વધીને 98 ટકા થયો છે. જે વર્ષ 2014માં 40 ટકાથી પણ ઓછો હતો. 
- અમારી અનેક માતાઓ, બહેનો અને દીકરીઓને ચૂલ્હાના ધુમાડાના કારણે બીમારી રહેતી હતી. સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય પ્રભાવિત  થયું હતું. તેમનો મોટાભાગનો સમય ઈંધણ ભેગુ કરવામાં લાગતો  હતો. આવી બહેન દીકરીઓ માટે મારી સરકારે ઉજ્વલા યોજના હેઠળ અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ ગેસ  કનેક્શન આપ્યાં. 
- દાયકાઓના પ્રયત્નો બાદ પણ વર્ષ 2014 સુધી આપણા દેશમાં માત્ર 12 કરોડ ગેસ કનેક્શન હતાં. ગત છેલ્લા સાડા ચાર વર્ષમાં મારી સરકારે કુલ 13 કરોડ પરિવારોને ગેસ કનેક્શન સાથે જોડ્યા છે. 
- વડાપ્રધાન જન આરોગ્ય અભિયાન હેઠળ દેશના 50 કરોડ ગરીબો માટે ગંભીર બીમારીની સ્થિતિમાં દરેક પરિવારને પ્રતિવર્ષ 5 લાખ રૂપિયા સુધીના સારવાર ખર્ચની વ્યવસ્થા કરી છે. ફક્ત 4 મહિનામાં આ યોજનાથી 10 લાખથી વધુ ગરીબ લોકોએ પોતાની સારવાર કરાવી છે. - વડાપ્રધાન ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 600થી વધુ જિલ્લાઓમાં 4900 જન ઔષધિ કેન્દ્રો ખુલ્યા છે. આ કેન્દ્રોમાં 700થી વધુ દવાઓ ખુબ ઓછા દરે ઉપલબ્ધ કરાવેલી છે. 
- ફક્ત એક રૂપિયા મહિનાના પ્રિમિયમ પર વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના અને 90 પૈસા પ્રતિદિનના પ્રિમિયમ પર વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજનાના સ્વરૂપમાં 21 કરોડ ગરીબ ભાઈ બહેનોને વીમાનું સુરક્ષા કવચ આપ્યું છે. 
- છેલ્લા સાડા ચાર વર્ષોમાં સરકારની ગ્રામીણ આવાસ યોજના હેઠળ 1 કરોડ 30  લાખથી વધુ ઘરોનું નિર્માણ કરાયું છે. જ્યારે વર્ષ 2014 અગાઉ પાંચ વર્ષમાં ફક્ત 25 લાખ  ઘરોનું નિર્માણ થયું હતું. 
- જિલ્લા હોસ્પિટલોમાં સુવિધાઓ સારી થઈ.
- કુપોષણ વિરુદ્ધ રાષ્ટ્રીય મિશનની શરૂઆત થઈ. 
- મારી સરકારે દિવ્યાંગો માટે ઘણું કામ કર્યું.
- મોંઘવારી દર ઘટવાથી મિડલ  ક્લાસના લોકોને રાહત મળી. 
- આવકવેરાનો બોજો ઘટાડીને અને મોંઘવારીને નિયંત્રણમાં લાવીને સરકારે મધ્યમ  વર્ગને બચતની નવી તકો આપી છે. સરકારના પ્રયત્નો છે કે આકરો પરિશ્રમ કરનારા આપણા મધ્યમ વર્ગના લોકોની પૂંજી વધે અને રોકાણના નવા વિકલ્પોથી તેમની આવક પણ વધે. 

- વર્ષ 2014માં 18 હજારથી વધુ એવા  ગામડા હતાં જ્યાં વીજળી નહતી પહોંચી. આજે દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી છે. વડાપ્રધાન સૌભાગ્ય યોજના હેઠળ અત્યાર સુધીમાં 2 કરોડ 47 લાખ ઘરોમાં વીજળી કનેક્શન અપાયા છે. - તામિલનાડુના મદુરાઈથી લઈને જમ્મુ કાશ્મીરના પુલવામા સુધી અને ગુજરાતના રાજકોટથી લઈને આસામના કામરૂપ સુધી નવી એઈમ્સ બનાવવામાં આવી રહી છે. ગામડાઓમાં ચિકિત્સાની ઉણપને દૂર કરવા માટે છેલ્લા ચાર વર્ષમાં મેડિકલના અભ્યાસમાં 31 હજાર નવી બેઠકો ઉમેરાઈ છે. 
- સરકારે લગભગ 8 કરોડ એવા નામોને લાભાર્થીઓની સૂચિમાંથી હટાવ્યાં છે જે વાસ્તવમાં હતા જ નહીં અને અનેક વચેટિયાઓ ફેક નામથી જનતાના પૈસા લૂટી રહ્યાં હતાં.
- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો વિસ્તાર કરવાથી છેલ્લા સાડા ચાર વર્ષમાં 6 લાખ 5 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ લાભાર્થીઓ સુધી પહોંચી છે. આ કારણથી હવે લગભગ 1 લાખ 10 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી રહ્યાં છે. 
- વર્ષ 2014 અગાઉ જ્યાં 3.8 કરોડ લોકોએ પોતાનું રિટર્ન ફાઈલ કર્યુ હતું ત્યાં હવે 6.8 કરોડથી વધુ લોકો આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે આગળ આવ્યાં છે. આજે કરદાતાઓને વિશ્વાસ છે કે તેમનો એક એક પૈસો રાષ્ટ્ર નિર્માણના કામમાં પ્રમાણિકતાથી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 
- બેનામી સંપત્તિ  કાયદો, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને આર્થિક અપરાધ કરીને ભાગી જનારા વિરુદ્ધ કાયદા હેઠળ 50 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી થઈ રહી છે. 


સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદીએ મીડિયાને કર્યું સંબોધન
સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદીએ મીડિયાકર્મીઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ આજે બંને સદનને સંબોધિત કરશે. આપણે બધાએ જોયું છે કે આજે દેશમાં એક જાગરૂકતા છે, દરેક નાગરિક સદનની ગતિવિધિઓને ખુબ બારીકાઈથી જુએ છે. દરેક વ્યક્તિ સુધી બધી વાતો પહોંચે છે. તેમણે કહ્યું કે સદનમાં જો ડિબેટ ન  થાય તો તેના પ્રત્યે સમાજમાં નારાજગી પેદા થાય છે. 


તેમણે કહ્યું કે હું આશા વ્યક્ત કરું છું કે હવે સાંસદો જનભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ સત્રનો ઉપયોગ ઊંડાણપૂર્વક અને વિસ્તારથી ચર્ચામાં ભાગ લેતા કરશે. તેમણે કહ્યું કે અહીંના સારા માહોલનો લાભ સંસદીય વિસ્તારમાં પણ મળશે. તેમણે કહ્યું કે સદનમાં ખુલ્લા મને ચર્ચા થાય તો સરકાર તેનું સ્વાગત કરશે. 



અત્રે જણાવવાનું કે શુક્રવારના રોજ સરકાર વચગાળાનું બજેટ રજુ કરશે. વર્તમાન સરકારના કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે. બજેટ સત્ર 31 જાન્યુઆરીથી લઈને 13 ફેબ્રુઆરી સુધીનું હશે. અરુણ જેટલીની તબિયત ખરાબ હોવાના કારણે આ વખતે તેઓ બજેટ રજુ કરશે નહીં. તેમની જગ્યાએ નાણા મંત્રાલયનો હવાલો પીયૂષ ગોયલને સોંપવામાં આવ્યો છે. આથી તેઓ બજેટ રજુ કરશે. 


બજેટ સત્ર અગાઉ રાજ્યસભા ચેરમેન વેંકૈયા નાયડુએ તમામ પક્ષોની એક બેઠક પણ બોલાવી છે. આ ઉપરાંત કોંગ્રેસે પણ પોતાના સભ્યોને વ્હીપ જારી કરીને બજેટ સત્રમાં હાજર રહેવા જણાવ્યું છે. પીએમ મોદીએ પણ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. નોંધનીય છે કે સંસદના ગત સત્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે રાફેલનો વિવાદ ઉઠાવ્યો હતો.