નવી દિલ્હીઃ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના અશોક વિહારમાં બુધવારે ચાર માળની એક 'નબળું' મકાન તુટી પડતાં ચાર બાળકો અને એક મહિલાનું મોત થઈ ગયું હતું. ત્રણ અઠવાડિયા પહેલાં જ ફરિયાદ મળ્યા બાદ નગર નિગમની એક ટીમે 20 વર્ષ જૂની આ ઈમારતનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈમારત તુટી પડવાના કેસની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલિસે આ સંદર્ભમાં બિલ્ડિંગના માલિક ધર્મેન્દ્ર સામે આઈપીસીની ધારા-304 (બિનઈરાદાપૂર્વક હત્યા) અંતર્ગત કેસ દાખલ કર્યો છે, જેમાં મહત્ત્મ 10 વર્ષની સજાની જોગવાઈ છે. 


પોલિસે જણાવ્યું કે, આ ઈમારત તુટી પડવા અંગે 16 ઓગસ્ટ, 2017ના રોજ એક ફરિયાદ દાખલ કરાઈ હતી અને એમસીડીની ટીમે 20 દિવસ પહેલાં જ ઈમારતનું નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રી આપત્તી વ્યવસ્થાપન ટીમના પ્રવક્તાએ જણાવ્યું કે, રાહત-બચાવ કાર્ય માટે બે ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. 


આ બિલ્ડિંગના ભોંયતળીયે એક દુકાન હતી, જ્યારે બીજા અને ત્રીજા માળમાં ભાડુઆત રહેતા હતા. એક માળ ખાલી હતો. ઘટનાના સમયે મકાનમાં 12 લોકો હાજર હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું કહેવાયું છે. 


બિલ્ડિંગના બીજા માળે એક પરિવાર રહેતો હતો. દુર્ઘટનામાં મૃત બે બાળકો આશી અને શૌર્ય ભાઈ-બહેન હતા, જેમની ઉંમર લગભગ ત્રણ અને બે વર્ષ હતી. ત્રીજા માળે બે પરિવાર રહેતા હતા. દુર્ઘટનામાં મૃત મહિલા ત્રીજા માળના કોઈ એક રૂમમાં રહેતી હતી. આ જ માળ પર બીજા એક પરિવારના બે બાળકો ચાર વર્ષના રજનેશ અને 12 વર્ષના સુમનેશનું પણ મોત થયું છે. પોલીસે જણાવ્યું કે, ચોથા માળે પતિ-પત્ની નરોત્ત્મ અને નિશા રહેતા હતા, જેમાં નિશાની હાલત ગંભીર છે. 


મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉત્તરપશ્ચિમ દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં ઈમારત પડી જવાની ઘટનામાં ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. દીપચંદ બંધુ હોસ્પિટલમાં પીડિતોને મળવા ગયેલા કેજરિવાલે જણાવ્યું કે, મૃતકોનાં પરિજનો અને ઘાયલોને આપ સરકાર વળતર આપશે.