ભોપાલમાં મહુઆ મોઇત્રા સામે કેસ, શિવરાજે કહ્યું- દેવી-દેવતાઓનું અપમાન સહન કરીશું નહીં
મધ્યપ્રદેશની રાજધાનીમાં પણ સાંસદ મોઇત્રા વિરુદ્ધ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં.
ભોપાલઃ ફિલ્મ કાલીના વિવાદિત પોસ્ટરને લઈને નિવેદન આપી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા ફસાયા છે. પહેલા પાર્ટીએ અંગત નિવેદન ગણાવી દીધુ તો દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે મધ્ય પ્રદેશની રાજધાનીમાં પણ મોઇત્રા વિરુદ્ધ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. તો મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે કહ્યુ કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન સાખી લેવામાં આવશે નહીં.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે મહુઆએ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું- સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદનથી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે અને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કોઈપણ કિંમતે સાખી લેવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ કાલીના વિવાદિત પોસ્ટરને લઈને એક ટીવી શો દરમિયાન પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મહુઆએ કહ્યું હતું કે દેવી કાલી માંસ ખાનારા અને દારૂનો સ્વીકાર કરનારા દેવી છે. થોડા સમય બાદ મમતા બેનર્જીની પાર્ટીએ મહુઆના નિવેદનથી પોતાને દૂર કરતા કહ્યું કે આ તેનું અંગત નિવેદન છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. મહુઆ વિરુદ્ધ મંગળવારે દિલ્હી અને યુપીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને બંગાળમાં ભાજપે પાર્ટીમાંથી બહાર ન કરાતા આંદોલનની ચેતવણી આપી છે.
આ વચ્ચે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ મહુઆના નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો અને તેને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ગણાવ્યું છે. ત્યારબાદ સાંસદ વિરુદ્ધ ભોપાલમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શૈલેન્દ્ર ચૌહાણે કહ્યુ કે મહુઆ મોઇત્રા વિરુદ્ધ આઈપીસીની કલમ 295 A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યુ હતુ કે આ ફિલ્મને બેન કરવા માટે અમે અરજી કરીશું અને ફિલ્મ નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube