CBSEના વિદ્યાર્થીઓ ખાસ વાંચો અહેવાલ, બદલાયો `આ` નિયમ, નહીં જાણો તો પસ્તાશો
2019માં તમે જો સીબીએસઈની કોઈ બોર્ડ પરિક્ષા આપવાના છો તો તમારા માટે આ જરૂર જાણવા જેવા સમાચાર છે.
નવી દિલ્હી: 2019માં તમે જો સીબીએસઈની કોઈ બોર્ડ પરિક્ષા આપવાના છો તો તમારા માટે આ જરૂર જાણવા જેવા સમાચાર છે. બોર્ડ એક્ઝામ દરમિયાન જો તમે પરીક્ષા હોલમાં મોડા પહોંચ્યા તો તમને એન્ટ્રી મળશે નહીં. આ માટે CBSEએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ભલે તમે ટ્રાફિકમાં ફસાયેલા હોવ કે પછી કારણ બીજુ કોઈ હોય. જોઈન્ટ એન્ટ્રસ એક્ઝામ (JEE), NEET, CAT જેવી એક્ઝામની જેમ સીબીએસઈના ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પણ મોડી એન્ટ્રી પર પ્રતિબંધ મૂકાશે.
10.30 વાગે શરૂ થનારી પરીક્ષામાં પરીક્ષાર્થીઓએ 10.15 મિનિટ પર પહોંચવું પડશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ માનવ સંસાધન વિકાસ મંત્રાલય સંલગ્ન સૂત્રોના જણાવ્યાં મુજબ એન્ક્રિપ્ટેડ પ્રશ્નપત્ર અને આ પ્રકારના પગલાનો ઉદ્દેશ્ય પરીક્ષાને વધુ સુરક્ષિત કરવાનો છે.
અત્યાર સુધી શું સ્થિતિ રહેતી
અત્યાર સુધી એક્ઝામ સેન્ટર 9.30 વાગે ખુલી જતા હતાં. 10.15 સુધીમાં વિદ્યાર્થીને પેપર અપાઈ જતા હતાં. 15 મિનિટ તેમને પેપર વાંચવા માટે મળતા હતાં. એક્ઝામ 10.30 વાગે શરૂ થતી હતી. માર્ચ એપ્રિલ 2018 સુધી 11 વાગ્યા સુધી લેટ એન્ટ્રીની મંજૂરી હતી. 11.15 સુધી ઈમરજન્સી એન્ટ્રી મળતી હતી.
CAT અને NEET જેવી પરીક્ષાઓમાં આમ હોય છે
CAT, JEE અને NEET જેવી પરીક્ષાઓમાં સમયની સૌથી મોટી મર્યાદા હોય છે. નક્કી સમય બાદ એન્ટ્રી મળતી નથી. આ જ રીતે હવે સીબીએસઈ પણ પોતાની પરીક્ષાઓમાં નક્કી સમય બાદ એન્ટ્રી આપશે નહીં. પેપર લીક અને બીજી ઘટનાઓ બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ સીબીએસઈએ આ માટે એક સર્ક્યુલર જારી કર્યું છે.
ઈનક્રિપ્ટેડ પ્રશ્ન પત્રની પણ થશે શરૂઆત
સીબીએસઈ 10મી અને 12મી કક્ષાની પરીક્ષાઓ માટે આગામી વર્ષથી ઈનક્રિપ્ટેડ પ્રશ્ન પત્રોનો ઉપયોગ કરશે. જેના છાપકામની જવાબદારી શાળાઓ પર રહેશે. ઈનક્રિપ્ટેડ પ્રશ્નપેપરનો અર્થ છે તે તેમને મોકલનારા (સીબીએસઈ) અને તેમને પ્રાપ્ત કરનારા (પરીક્ષા કેન્દ્ર) વચ્ચે આ પ્રશ્ન પત્રોને કોઈ જોઈ શકશે નહીં. બોર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ પત્રકારોને જણાવ્યું કે અમે પૂરક પરીક્ષાઓ દરમિયા3ન પાઈલટના આધારે તેનું પરીક્ષણ કરી રહ્યાં છે. જેમાં પરીક્ષાથી 30 મિનિટ પહેલા ઈમેઈલ દ્વારા પ્રશ્ન પત્ર અપાશે. પાસવર્ડ કેન્દ્રના અધીક્ષકને અલગથી મોકલવામાં આવશે અને કેન્દ્રોમાં જ પ્રશ્ન પત્રોની છપાઈ અને ફોટો કોપી હશે.