CBIમાં ઘમાસાણ, રજા પર ઉતારી દેવાયેલા આલોક વર્માની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
CBI વિરુદ્ધ CBI વિવાદને લઈને સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્માને અચાનક જ રજા પર ઉતારી દેવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી જેના પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે.
નવી દિલ્હી: CBI વિરુદ્ધ CBI વિવાદને લઈને સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્માને અચાનક જ રજા પર ઉતારી દેવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી જેના પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 3 જજોની પેનલ આલોક વર્મા અને પ્રશાંત ભૂષણની એનજીઓ કોમન કોઝના અરજીઓ પર સુનાવણી કરશે.
વાત જાણે એમ છે કે એનજીઓ કોમન કોઝે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગણી કરી કે આલોક વર્માને સીબીઆઈ ડાઈરેક્ટરના પદેથી બટાવવા અને નાગેશ્વર રાવને વચગાળાના ડાઈરેક્ટર બનાવવાના મામલાની તપાસ કોર્ટની નિગરાણીમાં કરવામાં આવે. આ ઉપરાંત અરજી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે સીબીઆઈના સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાના પર લાગેલા આરોપોની તપાસ પણ કોર્ટની નિગરાણીમાં કરવામાં આવે.
અરજીમાં સીવીસીના 23 ઓક્ટોબરના રોજનો રજા પર ઉતારી દેવાના આદેશને રદ કરવાની માગણી કરવામાં આવી છે. બીજી બાજુ આલોક વર્માએ પોતાની અરજીમાં કહ્યું છે કે દિલ્હી સ્પેશિયલ પોલીસ સ્ટેબલિશમેન્ટ (ડીએસપીઈ) એક્ટની કલમ 4-બી મુજબ સીબીઆઈ ડાઈરેક્ટરનો કાર્યકાળ બે વર્ષનો નક્કી હોય છે. સરકારે તેમનું કામકાજ છીનવીને આ નિયમનો ભંગ કર્યો છે. કાયદાની કલમ 4એ કહે છે કે વડાપ્રધાન, નેતા વિપક્ષ અને ચીફ જસ્ટિસની એક ઉચ્ચ સ્તરની કમિટી હશે જે સીબીઆઈ ડાઈરેક્ટરની નિયુક્તિ કરશે અને કલમ 4બી2 મુજબ સીબીઆઈ ડાઈરેક્ટરના સ્થાનાંતરણ પહેલા આ સમિતિની મંજૂરી લેવાની રહેશે.
કોંગ્રેસ આજે દેશભરમાં CBI કાર્યાલયોની બહાર ધરણા ધરશે, દિલ્હીમાં નેતૃત્વ રાહુલ ગાંધી સંભાળશે
વર્માનું કહેવું છે કે આ કાયદાકીય જોગવાઈઓની અવગણના કરતા તેમની પાસેથી કામકાજ છીનવી લેવાનો આદેશ જારી કરાયો છે, જે ગેરકાયદેસર છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે તેમનો 35 વર્ષોનો સેવાનો બેદાગ રેકોર્ડ છે અને આથી તેમને બે વર્ષ માટે જાન્યુઆરી 2017માં સીબીઆઈ ડાઈરેક્ટરના પદે નિયુક્ત કરાયા. તેમનું કહેવું છે કે સીબીઆઈ પાસેથી આશા રખાય છે કે તે સ્વતંત્ર અને સ્વાયત્ત એજન્સી તરીકે કામ કરશે. એવા પણ હાલાત આવે છે કે જ્યારે ઉચ્ચ પદો પર બેઠેલા લોકો પાસેથી સંબંધિત તપાસની દિશા સરકારની ઈચ્છા મુજબ ન પણ હોય.
વર્મા કહે છે કે હાલના દિવસોમાં એવું અનેકવાર બન્યું કે જ્યારે તપાસ અધિકારી અને સુપ્રિટેન્ડેન્ટ અધિકારીથી લઈને જોઈન્ટ ડાઈરેક્ટર અને ડાઈરેક્ટર બધા કાર્યવાહી અંગે એક મત, પરંતુ માત્ર સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાનાનો મત અલગ હતો. આલોક વર્માએ અસ્થાના પર અનેક મહત્વપૂર્ણ મામલાઓની તપાસમાં અડિંગો લગાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ જ ક્રમમાં અસ્થાનાએ તેમની છબી ખરાબ કરવા માટે તેમના પર ખોટા આરોપ લગાવ્યાં જેના પર સીબીઆઈએ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી. અસ્થાનાએ તે એફઆઈઆરને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે.
પોતાની અરજીમાં વર્માએ ભારત સરકાર વિરુદ્ધ કેન્દ્રીય સતર્કતા આયોગને પણ પક્ષકાર બનાવ્યાં છે. વર્માએ કહ્યું છે કે તેમને સીબીઆઈના અધિકારીઓ પર પૂરેપૂરો ભરોસો છે પરંતુ સરકારની આ પ્રકારની ગેરકાયદેસર દખલગીરીથી અધિકારીઓનું મનોબળ તૂટે છે. સીબીઆઈને ડીઓપીટીથી મુક્ત કરાવવા અને સ્વાયત્ત કરાવવાની ભલામણ કરવામાં આવી છે.