Corona ના ઘટતા કેસ વચ્ચે આ 2 રાજ્યોએ ચિંતા વધારી, પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે
દેશભરમાં આજે ગઈ કાલ કરતા ઓછા કેસ નોંધાયા છે.પણ આ રાજ્યોએ ચિંતા વધારી દીધી છે.
ઝી બ્યૂરો: દેશભરમાં આજે ગઈ કાલ કરતા ઓછા કેસ નોંધાયા છે. પણ આ બધા વચ્ચે કેરળથી આવેલી ખબરે ચિંતા વધારી દીધી છે. આ દક્ષિણ ભારતીય રાજ્યમાં પોઝિટિવિટી રેટ ફરીથી વધવા લાગ્યો છે. હાલ દેશમાં કોરોનાના જેટલા નવા કેસ સામે આવે છે તેમાં કેરળનો ભાગ લગભગ 60 ટકા જેટલો છે. આ જ હાલ પૂર્વોત્તર રાજ્ય મિઝોરમના પણ છે. અહીં પણ પોઝિટિવિટી રેટ ખુબ વધારે થયો છે.
નવા 24 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,354 કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં 26,727 નવા દર્દીઓ નોંધાયા હતા. હાલ દેશમાં 2,73,889 દર્દીઓ સારવાર હેઠળ છે. જે 197 દિવસનો સૌથી ઓછો આંકડો છે. દેશમાં કોરોનાથી 234 લોકોના મોત થયા છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 97.86 છે. જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે.
મહીનાઓ બાદ પણ કોઈ સુધાર નથી
નવા કેસ મુદ્દે કેરળની વાત કરીએ તો આજે જાહેર કરાયેલા આંકડા મુજબ આજે જાહેર કરાયેલા 24,354 નવા કેસમાંથી 13,834 કેસ કેરળમાં નોંધાયા છે. જ્યારે 95 મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ કેરળમાં છેલ્લા 14 દિવસની અંદર દર 100 કોરોના ટેસ્ટમાંથી 16 પોઝિટિવ જોવા મળ્યા છે. એટલે કે મહિનાઓ વીતવા છતાં રાજ્યની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી. ઉલ્ટું સ્થિતિ બગડી રહી છે. એ જ રીતે મિઝોરમમાં પણ પોઝિટિવિટી રેટ 17 ટકા કરતા વધુ છે. ત્યારબાદ સિક્કિમ, મણિપુર અને મેઘાલયનો નંબર આવે છે. જ્યાં પોઝિટિવિટી રેટ 5થી 8 ટકા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube