Corona Cases In Delhi: 24 કલાકમાં માત્ર 613 કેસ, બે મહિનામાં સૌથી ઓછા
દિલ્હીમાં કોરોના વાયરસના મામલામાં ઘણી કમી જોવા મળી રહી છે. દિલ્હીમાં બે મહિનામાં સૌથી ઓછા કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસના 613 કેસ સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી કોવિડ-19 મહામારીમાંથી મુક્ત થવા તરફ ઝડપથી આગળ વધતી જોવા મળી રહી છે. અહીં હવે નવા કેસની સંથ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે માત્ર 613 નવા કોવિડ-19 કેસનો નવો રેકોર્ડ બની ગયો જે છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા છે. દિલ્હી હાઈકોર્ટે પણ પ્રદેશમાં મહામારીનો સામનો કરવાની તૈયારીઓ પર સંતોષ વ્યક્ત કર્યો અને પોતાના તરફથી ડઝન જેટલી જનહિત અરજીનો નિકાલ કર્યો હતો.
11 હજાર એક્ટિવ કેસ
હકીકતમાં દિલ્હીમાં 613 નવા કેસની સાથે સોમવાર સુધી કુલ કોરોના કેસની સંખ્યા 1 લાખ, 31 હજાર 219 થઈ ગઈ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓના મોત થયા છે આ સાથે મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા 3853 થઈ ગઈ છે. એક દિવસમાં રવિવારે રાજધાનીમાં સંક્રમણના 1075 નવા કેસ આવ્યા હતા. દિલ્હીમાં હાલ 10994 દર્દીઓની સારવાર ચાલી રહી છે. રવિવારે તેની સંખ્યા 11,904 હતી. દિલ્હીમાં અત્યાર સુધી 1 લાખ, 16 હજાર, 372 દર્દી સારવાર બાદ રિકવર થઈ ગયા છે.
કોરોના વેક્સિનની મનુષ્યો પર સૌથી મોટી ટ્રાયલ શરૂ, 30 હજાર લોકો પર ટેસ્ટ Modernaની વેક્સિન
મૃત્યુઆંકમાં ઘટાડો
દિલ્હીમાં ન માત્ર સંક્રમણ દરમાં ઘટાડો થયો છે પરંતુ જૂનની તુલનામાં જુલાઈમાં મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. જૂનના 12 દિવસની તુલનામાં જુલાઈના 12 દિવસમાં મોતના મામલામાં 44 ટકાનો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય વિભાગે દિલ્હીમાં કોવિડ-19ને કારણે થયેલા મોતોનું વિસ્તારથી વિશ્લેષણ કર્યું છે. 1થી 12 જૂન વચ્ચે 1089 મૃત્યુ થયા હતા જ્યારે 1થી 12 જુલાઈ વચ્ચે 605 મૃત્યુ થયા છે.
મોતના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે દિલ્હી સરકારની કોવિડ હોસ્પિટલોમાં જૂનથી જુલાઈ સુધી મૃત્યુઆંકમાં 58 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જે જૂનમાં 361 અને જુલાઈમાં 154 છે. સરકારી હોસ્પિટલોની તુલનામાં પણ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં જૂનથી જુલાઈ સુધી 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને કેન્દ્ર સરકારના કોવિડ હોસ્પિટલોમાં 55 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
હાઈકોર્ટે ભરેલા પગલા પર વ્યક્ત કર્યો સંતોષ
દિલ્હી હાઈકોર્ટે સોમવારે દિલ્હી સરકાર દ્વારા કોવિડ-19 મેનેજમેન્ટ માટે ભરવામાં આવેલા પગલાને પર્યાપ્ત જણાવતા પોતાના તરફથી શરૂ કરવામાં આવેલી જનહિત અરજીનો નિકાલ કરી દીધો હતો. ચીફ જસ્ટિસ ડીએન પટેલની આગેવાની વાળી બે સભ્યોની ખંડપીઠે હોસ્પિટલોને કેટલાક નિર્દેશ આપ્યા પરંતુ કહ્યું કે, પ્રદેશમાં કોરોના સંકટનો સામનો કરવા માટે જરૂરી સરકારી પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube