Cyclone Asna: સ્પર્શીને ગયું એમાં તો ગુજરાતને એવું હચમચાવી ગયું...દુર્લભ વાવાઝોડાએ હવામાન ધૂરંધરોની ચિંતા વધારી
Gujarat Cyclone Asna : ગુજરાતમાં આજે ભારે વરસાદ અને પૂરના કારણે દરિયાઈ મોજા સાથે તોફાની વરસાદની સંભાવનાને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પોરબંદર, દ્વારકા, સોમનાથ-વેરાવળ, વડોદરા સહિત 11 દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ છે. આજે પણ 500 રોડ રસ્તાઓ બંધ છે અને 500 ગામોમાં અંધારપટ છે.
ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. હાલમાં રાહતકાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન, IMD એ નવા ખતરાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. વાસ્તવમાં, અરબી સમુદ્રમાં ચક્રવાત ઉભું થવાની અને ઓમાનના કિનારા તરફ આગળ વધવાની સંભાવના છે. જેના કારણે ગુજરાત હવે ચક્રવાત 'આસ્ના'ના ખતરામાં છે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. IMDના આ એલર્ટ બાદ અધિકારીઓએ ઝૂંપડાં અને અસ્થાયી મકાનોમાં રહેતા લોકોને શાળા, મંદિર કે અન્ય ઈમારતોમાં આશરો લેવા કહ્યું છે. ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી છે. ખાસ વાત એ છે કે આ ચક્રવાત એકદમ દુર્લભ છે. 48 વર્ષ બાદ આ પ્રકારના સંયોગ ફરી ઉભા થયા છે.
ચક્રવાતી તોફાન ગુજરાતથી દૂર ગયું
આસ્નાની હાલ લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો આઈએમડીના જણાવ્યાં મુજબ તે સવારે 8.30 વાગે અરબ સાગરના ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. જે નલિયાથી 360 કિમી પશ્ચિમ, કરાચીથી 260 કિમી દક્ષિણ પશ્ચિમ, પસનીથી 300 કિમી દક્ષિણ-પૂર્વ અને મસ્કતથી 720 કિમી પૂર્વમાં છે. 1 સપ્ટેમ્બરની સવાર સુધી તેની તીવ્રતા જળવાઈ રહેશે જ્યારે 2 સપ્ટેમ્બરની સવાર સુધીમાં નબળું પડીને ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.
'આસ્ના' નો ડર
IMDએ જણાવ્યું હતું કે ચક્રવાત દરમિયાન દરિયાની સ્થિતિ ખરાબ રહેશે, ગુજરાતના દરિયાકાંઠે ઊંચા મોજા અને પવનની ઝડપ 75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સંભવિત ચક્રવાતને 'આસ્ના' નામ આપવામાં આવ્યું છે, જે પાકિસ્તાને આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક દુર્લભ ઘટના છે કે જમીન પર ઊંડું દબાણ સમુદ્રમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. એટલું જ નહીં ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં ચક્રવાત પણ દુર્લભ છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં શુક્રવારે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પાકિસ્તાનના સત્તાવાળાઓએ માછીમારો અને ખલાસીઓને દરિયામાં ન જવા માટે કહ્યું છે અને ચેતવણી આપી છે કે વાવાઝોડાને કારણે આવનારા દિવસોમાં શહેરો તેમજ પર્વતીય વિસ્તારોમાં પૂરની સંભાવના છે.
એલર્ટ મોડ પર એજન્સીઓ
ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 27 પ્રભાવિત છે, પરંતુ 23માં સ્થિતિ ખરાબ છે અને 11 જિલ્લામાં ખૂબ જ ખરાબ છે. ઘરોમાં પાણી ભરાયા છે. દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં મકાનો ધરાશાયી થયા છે. ગઈકાલે પણ કચ્છ અને દ્વારકા જિલ્લામાં કોસ્ટગાર્ડ, આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ અને એજન્સીઓએ 1700 જેટલા લોકોને બહાર કાઢીને રાહત શિબિરોમાં મોકલ્યા છે. આજે અરબી સમુદ્રમાં ચક્રવાતના કારણે તમામ એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બસો, અન્ય વાહનો અને ટ્રેનોની અવરજવર પર ખરાબ અસર પડી છે. ઘણી જગ્યાએ લગભગ 900 રસ્તાઓને નુકસાન થયું છે, પુલ પણ તૂટીને ધોવાઈ ગયા છે. બધું બરાબર થવામાં લાંબો સમય લાગી શકે છે. 30 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત છે અને એજન્સીઓના કેમ્પમાં તેમની સારવાર ચાલી રહી છે.