હૈદરાબાદ: આંધ્ર પ્રદેશમાં સત્તાની ખુરશી છીનવાયા બાદ પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મુશ્કેલીઓ વધી ગઈ છે. મંગળવારે મોડી રાતે અમરાવતી સ્થિત ચંદ્રબાબુ નાયડુના બનાવેલા નિવાસ સ્થાન પર નિગમનું બુલડોઝર ફરી વળ્યું. ચંદ્રબાબુ નાયડુએ બનાવેલા આ આવાસનું નામ પ્રજા વેદિકા છે. તેનું નિર્માણ ચંદ્રબાબુ નાયડુએ સરકારમાં હતાં ત્યારે કરાવ્યું હતું. સરકારમાં હતાં ત્યારે નાયડુ પ્રજા વેદિકામાં જનતા દરબાર ભરતા હતાં. આરોપ છે કે આ આવાસનો મોટો ભાગ ગેરકાયદે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ નિગમની ટીમે પ્રજા વેદિકાની બહારના ભાગમાં ખુબ તોડફોડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડી રાતે તોડફોડની સૂચના મળતા જ ચંદ્રબાબુના સમર્થકો ત્યાં ભેગા થયા હતાં અને વિરોધ શરૂ કરી દીધો. જો કે ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ ત્યાં તહેનાત છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવાઈ હતી તથા નિગમની ટીમ આ ગેરકાયદે બાંધકામ તોડતું રહ્યું.


અત્રે જણાવવાનું કે 24 જૂનના રોજ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ પૂર્વ સીએમ એન.ચંદ્રબાબુ નાયડુના કાર્યકાળમાં નદીની પાસે બનેલી એક સરકારી ઈમારતને ધ્વસ્ત કરવાના નિર્દેશ આપ્યા હતાં. તેમણે કહ્યું કે નિયમોનો 'ભંગ'  કરીને આ ઈમારતનું નિર્માણ કરાવવામાં આવ્યું. જેમાં 'ભ્રષ્ટાચાર' થયો.


આંધ્ર પ્રદેશના રાજધાની ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણે તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને વિપક્ષના નેતા નાયડુના નિવાસની નજીક કૃષ્ણા નદી પાસે પ્રજા વેદિકા (ફરિયાદ હોલ)નું નિર્માણ કર્યું હતું. આ ઈમારત નાયડુ સરકારના કાર્યકાળમાં લગભગ 8 કરોડના ખર્ચે બની હતી. નાયડુના બંગલા નજીક આવેલા આ કોન્ફરન્સ હોલમાં અધિકારીઓ સાથે બેઠકો થતી હતી. અહીં જ પૂર્વ સીએમ લોકોને મળતા હતાં. આ હોલ ખુબ મોટો હતો અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લેસ હતો. અમરાવતીમાં કૃષ્ણા નદી કિનારે આવેલા નાયડુના બંગલા અને આ ઈમારતનો દરવાજો પણ એક જ હતો. જગને આ આદેશ આપીને નાયડુની તે ભલામણ પણ ફગાવી દીધી જેમાં તેમણે તેને વિપક્ષના નેતાનું 'રેસિડેન્સ એનેક્સ' જાહેર કરવાની વાત કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...