નવી દિલ્હીઃ ભારતીય એજન્સીના ઈનપુટ પર દ.આફ્રિકાના સેનેગલમાં રહેતા ડોન રવિ પૂજારીને પકડી લેવાયો છે. રવિ પૂજારી પર ભારતીય એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી નજર રાખી રહી હતી. પૂજારીની હિલચાલપર છેલ્લા ઘણા સમયથી એજન્સીઓની નજર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનેગલથી પહેલા રવિ પૂજારીનું લોકેશને બુર્કીના ફાસોમાં મળ્યું હતું. ત્યાર બાદ એજન્સીઓએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રવિ પૂજારી પર ભારતમાં ધમકી આપીને ખંડણી ઉઘરાવાના, અપહરણ કરવાના, હત્યા કરવાના, બ્લેકમેઈલ કરવાના, છેતરપીંડીના અસંખ્ય કેસ નોંધાયેલા છે. તે મૂળ કર્ણાટકનો છે પરંતુ મુંબઈમાં રહીને તે લોકોને ધાક-ધમકી આપીને પૈસા પડાવતો હતો. ત્યાર બાદ તે દેશ છોડીને ફરાર થઈ ગયો હતો અને વિદેશથી ફોન પર ધમકી આપીને પોતાના સાગરિતોની મદદથી પૈસા પડાવતો હતો. 


ગુજરાતમાં પણ જિગ્નેશ મેવાણી ઉપરાંત અનેક ધારાસભ્યોને રવિ પૂજારીના ધમકીના ફોન આવેલા હતા. જિગ્નેશ મેવાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેને રવિ પૂજારી નામનો વ્યક્તિ ફોન કોલ અને મેસેજ કરીને ધમકી આપી રહ્યો છે. ફોન કરનારો વ્યક્તિ ખુદને રવિ પૂજારી જણાવી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરી રહ્યો છે એવી માહિતી આપી રહ્યો છે. સાથે જ ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. 


રવિ પૂજારીએ બોલિવૂડના અનેક કલાકારોને ધમકી આપી હતી. રવિ પૂજારીના સાગરિતોએ વર્ષ 2014માં ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ અને ફરાહ ખાનને મારવાનું કાવતરું ઘડ્યું હતું. મુંબઈ પોલીસે તેના સાગરિતોને પકડી લીધા બાદ આ રહસ્ય બહાર આવ્યું હતું. પૂજારીનાં સાગરિતોએ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની ઓફિસની રેકી કરી હોવાનું પણ કબુલ્યું હતું. જુહૂમાં ફિલ્મ નિર્માતા કરીમ મોરાનીના ઘરે થયેલા ફાયરિંગમાં પણ પૂજારી ગેંગનું નામ બહાર આવ્યું હતું.