`મોદીની સેના`ના નિવેદન બદલ યોગી આદિત્યનાથને ચૂંટણી પંચની નોટિસ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં એક ચૂંટણી સભામાં ભારતીય સેનાને `મોદીજીની સેના` જણાવી હતી, જેના અંગે વિવાદ થયા બાદ ચૂંટણી પંચે રિપોર્ટ મગાવ્યો હતો અને આ રિપોર્ટના આધારે પંચે હવે નોટિસ ફટકારી છે
નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના 'મોદીની સેના' નિવેદન મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણી પંચે તેમને 5 એપ્રિલ સુધીમાં જવાબ આપવા માટે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં એક ચૂંટણી સભામાં ભારતીય સેનાને 'મોદીજીની સેના' જણાવી હતી. સીએમ યોગીની આ ટિપ્પણી પર સોમવારે રાજકીય વિવાદ પેદા થઈ ગયો હતો. વિરોધ પક્ષના નેતાઓએ યોગી પર પ્રહાર કર્યા હતા અને તેમના પર ભારતીય સેનાનું 'અપમાન કરવા'નો આરોપ લગાવ્યો હતો.
લોકસભા ચૂંટણી 2019: ગુજરાતના 4.51 કરોડ મતદારોમાં 10 લાખ પ્રથમ વખત કરશે મતદાન
વિરોધ પક્ષ ઉપરાંત ભારતીય સેનાના અધિકારીઓ પણ યોગીના નિવેદનથી નારાજ થઈ ગયા હતા. નૌકાદળના પૂર્વ પ્રમુખ એડમિરલ એલ. રામદાસે જણાવ્યું હતું કે, તેઓ યોગીના નિવેદનથી 'નિરાશ' છે. તેમણે જણાવ્યું કે, સેના કોઈ વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર દેશની છે. તેમણે ભાજપના નેતાના નિવેદન મુદ્દે ચૂંટણી પંચને પણ જાણ કરી હતી. લેફ્ટનન્ટ જનરલ(રીટાયર્ડ) એચ. એસ. પનાગે પણ જણાવ્યું હતું કે, આવા નિવેદનો આપવાથી સેનાનું રાજનીતિકરણ થાય છે.
નમો ટીવીઃ ચૂંટણી પંચે માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસે માગ્યો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જાહેર થાય એ પહેલા જ ભારતીય ચૂંટણી પંચમાં દેશના તમામ રાજકીય પક્ષોને એક સુચના આપવામાં આવી હતી કે આગામી ચૂંટણીમાં ભારતીય સેના કે સૈનિકો સંબંધિત કોઈ પણ પ્રકારનું નિવેદન આપવું નહીં કે તેમની તસવીરોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવો નહીં. ચૂંટણી પંચે આમ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું.