નમો ટીવીઃ ચૂંટણી પંચે માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસે માગ્યો ખુલાસો
કોંગ્રેસ અને આપ પાર્ટી તરફથી કરવામાં આવેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચે મંત્રાલય પાસે આ અંગે સત્ય હકીકત રજૂ કરવા માટે જણાવ્યું
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 પહેલા કોઈ રાજકીય પક્ષને ટીવી ચેનલ શરૂ કરવાની મંજૂરી આપવા અંગે ચૂંટણી પંચે માહિતી અને પ્રસારણ મંત્રાલયને વિગતવાર માહિતી આપવા માટે જણાવ્યું છે.
સૂત્રો અનુસાર ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ધરાવતા 'નમો ટીવી' લોન્ચ કરવા અંગે કોંગ્રેસ અને આપ પાર્ટીની ફરિયાદના આધારે મંત્રાલય પાસે તથ્યો સાથે વિગતવાર માહિતી મગાવી છે. આપ અને કોંગ્રેસે ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ પ્રથમ તબક્કાના 11 એપ્રિલના રોજ થનારા મતદાનથી બરાબર પહેલા 'નમો ટીવી' શરૂ કરવાની મંજૂરીની ફરિયાદ કરવાની સાથે આ બાબતને આચારસંહિતાનું ઉલ્લંઘન જણાવ્યું છે.
આપ અને કોંગ્રેસની ફરિયાદ
બંને પક્ષોએ ચૂંટણી પંચને પુછ્યું છે કે, આ ચેનલને શરૂ કરવાની મંજૂરી લેવાઈ હતી કે નહીં. ચેનલના લોગોમાં મોદીના ફોટાનો ઉપયોગ કરાયો છે અને તેના પર મોદીના ભાષણોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ ચેનલનું પ્રસારણ ડીટીએચ અને વિવિધ કેબલ ટીવી પ્લેટફોર્મ પર થઈ રહ્યું છે. આપે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, જો રાજકીય પક્ષોને ટીવી ચેનલ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે છે તો શું આ બાબત ચૂંટણીની આચાર સિંહતાનું ઉલ્લંઘન કહેવાશે નહીં.
બીજું શું પુછ્યું છે ફરિયાદમાં?
ફરિયાદમાં પુછવામાં આવ્યું છે કે, ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન કોઈ રાજકીય પક્ષ દ્વારા પોતાની ટીવી ચેનલ શરૂ કરવાની મંજૂરી આપવી તે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે કે નહીં? જો પંચે મજૂરી આપી છે તો શું તેના અંગે કોઈ કાર્યવાહી કરાઈ હતી કે નહીં?
ચૂંટણી પંચે મંત્રાલયને આ બાબતે માહિતી આપવા જણાવ્યું છે. આ સાથે જ ચૂંટણી પંચે દૂરદર્શનને પણ 31 માર્ચના રોજ 'મૈં ભી ચોકીદાર' કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવા અંગે જવાબ માગ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે