લોકસભા ચૂંટણી 2019: ગુજરાતના 4.51 કરોડ મતદારોમાં 10 લાખ પ્રથમ વખત કરશે મતદાન
રાજ્યની અંતિમ મતદાર યાદી તૈયાર થઈ ગયા બાદ ફાઈનલ આંકડા સામે આવ્યા છે, જેમાં ત્રીજી જાતિના મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે
Trending Photos
અમદાવાદઃ આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતની જે અંતિમ મતદાર યાદી તૈયાર થઈ છે તેના મુજબ રાજ્યમાં કુલ 4.51 કરોડ મતદારો નોંધાયા છે, તેમાં 10 લાખ મતદારો એવા છે જે પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યમાં 26 લોકસભા બેઠક પર 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. નવી મતદાર યાદીમાં ત્રીજી જાતિના મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિશ્નાએ જણાવ્યું કે, 2 સપ્ટેમ્બર, 2018થી 25 માર્ચ, 2019 સુધીમાં રાજ્યમાં રાજ્યમાં 10.05 નવા મતદારો ઉમેરાયા છે. હવે ગુજરાતમાં કુલ 4,51,25,680 મતદારો છે. જેમાં 2,34,28,119 કરોડ પુરુષ મતદાર અને 2,15,96,571 કરોડ મહિલા મતદાર છે. રાજ્યમાં ત્રીજી જાતિના મતદારોની સંખ્યા 990 નોંધાઈ છે.
નવા નામ ઉમેરવા, જૂનાની બાદબાકી, સુધારા-વધારા કરવા અથવા સરનામામાં ફેરફારની અરજીઓ ચકાસી લીધા બાદ આ નવી અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે.
રાજ્યની 26 લોકસભા બેઠક માતે તૈયાર થયેલી નવી મતદાર યાદી મુજબ નવસારીમાં સૌથી વધુ 19.71 લાખ મતદારો નોંધાયા છે. ત્યાર પછી બીજો ક્રમ ગાંધીનગર (19.45 લાખ), ત્રીજા ક્રમે રાજકોટ (18.83 લાખ), ચોથા ક્રમે સુરેન્દ્રનગર (18.47 લાખ) અને પાંચમા ક્રમે બારડોલી (18.26) લાખ છે. ભરૂચ સંસદીય બેઠકના મતદારોની સંખ્યા સૌથી ઓછી 15.64 લાખ છે.
ક્રિશ્નાએ જણાવ્યું કે, 2 એપ્રિલ સુધી રાજ્યમાં કુલ 127 ઉમેદવારોએ તેમના નામાંકન ફોર્મ ભર્યા છે. રાજ્યમાં નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે.
મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં 10 માર્ચના રોજ લાગુ થયેલી ચૂંટણીની આદર્શ આચાર સંહિતા પછી ઈન્ટકમ ટેક્સ વિભાગ, ફ્લાઈંગ સ્ક્વોડ અને રાજ્ય સર્વેલન્સ ટીમ દ્વારા અત્યાર સુધી રૂ.3.37 કરોડ રોકડ રકમ પકડવામાં આવી છે. જેમાં રૂ.1.63 કરોડ અમદાવાદ, રૂ.93 લાખ વલસાડ અને સુરતમાંથી રૂ.44.70 લાખની રકમ પકડાઈ છે.
રાજ્યમાં 10 માર્ચના રોજ લાગુ કરવામાં આવેલી આદર્શ આચાર સંહિતા પછી કુલ 56,925 નોંધાયેલા હથિયારોમાંથી 51,677 હથિયાર જે-તે સત્તાવાળા સમક્ષ જમા કરાવી દેવાયા છે. આ ઉપરાંત 44,948 બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યા છે અને 1.90 લાખ લોકોની સીઆરપીસી ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે