`ઇલેક્ટોરલ બોન્ડ કેસ એ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ`, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિનો મોટો દાવો
ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સામે આવ્યા બાદ દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. વિવિધ લોકો દ્વારા બોન્ડના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના પતિએ મોટું નિવેદન આપ્યું છે.
નવી દિલ્હીઃ Lok Sabha Elections 2024: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપ્યો હતો. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા આ ડેટા પોતાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જ્યારથી ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સામે આવ્યો છે, ત્યારથી સતત તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. વિપક્ષી પાર્ટી કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમના પતિનું નિવેદન સામે આવ્યું છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે ચૂંટણી બોન્ડ મામલે ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું જ મોટુ કૌભાંડ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો સ્કેમ છે.
જેણે જીતી દિલ્હીની આ સીટ તેની કેન્દ્રમાં બની સરકાર, 10 વર્ષ બાદ BJP-AAP આમને-સામને
તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો આજની તુલનામાં વધુ જોર પકડશે. તે ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યો છે. હવે ધીમે ધીમે લોકો તેને સમજી રહ્યાં છે. આ ભારતનો જ નહીં વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. તેવામાં મને લાગે છે કે આ મુદ્દાને કારણે સરકારને મતદાતાઓ તરફથી સજા આપવામાં આવશે.