મહારાષ્ટ્રમાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા, પોલીસ-પ્રશાસન એલર્ટ મોડ પર
દુષ્કાળ માટે વળતર અને આદીવાસીઓને વન અધિકાર સોંપવાની માગણીને લઈને મહારાષ્ટ્રના હજારો ખેડૂતો અને આદિવાસીઓ રસ્તાઓ પર ઉતર્યા છે.
મુંબઈ: દુષ્કાળ માટે વળતર અને આદીવાસીઓને વન અધિકાર સોંપવાની માગણીને લઈને મહારાષ્ટ્રના હજારો ખેડૂતો અને આદિવાસીઓ રસ્તાઓ પર ઉતર્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હોવાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ઠેબે ચડી છે. ખેડૂતોના ગુસ્સાને અને તેમની ભારે સંખ્યાને જોતા ટ્રાફિક એલર્ટ જાહેર કરવામાં આવી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે પોતે ખેડૂતો સાથે વાત કરશે એમ જણાવ્યું છે.
ગુરુવારની સવારે પાંચ વાગે ખેડૂતોએ ચૂનાભટ્ટીથી પાંચ વાગ્યે કૂચ શરૂ કરી. અહીંથી વિધાનસભા અને ત્યાંથી આઝાદ મેદાન પહોંચવાની યોજના હતી. ખેડૂતો આજે સવારે 11 વાગે મુંબઈના આઝાદ મેદાન પહોંચી ગયા છે. પ્રશાસન સતર્ક છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની તહેનાતી કરાઈ છે. મુંબઈ પોલીસે ટ્રાફિક એલર્ટ પણ જાહેર કરી છે.
પોલીસની ટ્રાફિક એલર્ટ
સાઉથ મુંબઈથી શરૂ થયેલી ખેડૂતોની કૂચ જે જે ફ્લાયઓવર, લાલબાગ ફ્લાયઓવર અને પરેલ ફ્લાયઓવર થઈને દાદર તરફ આગળ વધી રહી છે. ટ્રાફિક પોલીસે આ વિસ્તારો તરફ જઈ રહેલા અને આવતા ટ્રાફિક માટે એલર્ટ જાહેર કરી છે. મુંબઈ પોલીસે ટ્રાફિક એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ કૂચ દાદર પહોંચી છે.
બુધવારે શરૂ થઈ હતી કૂચ
ખેડૂતો પોતાની માગણીને લઈને બુધવારે કલ્યાણથી બપોરે પગપાળા યાત્રાએ નીકળી પડ્યા હતાં. પગપાળા મુસાફરી કરતા તેઓ સાયનના સોમૈયા મેદાન પહોંચ્યાં અને રાતે ત્યાં જ ડેરા જમાવ્યાં હતાં. કાર્યક્રમ મુજબ ખેડૂતોની યોજના વિધાનસભાને ઘેરવાની પણ છે. તેમને વિધાનસભા જતા રોકવા માટે પોલીસે પૂરતો બંદોબસ્ત કર્યો છે.
શું છે ખેડૂતોની માગણી?
ખેડૂતો સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવાની માગણી કરી રહ્યાં છે. સ્વામીનાથન રિપોર્ટમાં એ સૂચન આપ્યું છે કે જમીન અને પાણી જેવા સંસાધનો સુધી ખેડૂતોની નિશ્ચિત રીતે પહોંચ અને નિયંત્રણ હોવું જોઈએ. તેઓ ટેકાના ભાવ વધારવા અને તેને લાગુ કરવા માટે પણ ન્યાયિક તંત્રની માગણી કરી રહ્યાં છે.
ખેડૂત કૃષિ સંકટને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે અને રાજ્યમાં ભાજપની સરકાર દ્વારા ગત વર્ષે જાહેર દેવામાફી પેકેજને યોગ્ય રીતે લાગુ કરવા, ખેડૂતોને ભૂમિ અધિકાર અને ખેતિહર મજૂરો માટે વળતરની માગણી કરી રહ્યાં છે.