કિસાનોએ આપી દિલ્હી જામ કરવાની ચેતવણી, આંદોલન પર મોડી રાત્રે નડ્ડાની ઘરે બેઠક
કિસાનોના આંદોલનને જોતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના આવાસ પર હાઈ લેવલ બેઠક પણ બોલાવવામાં આવી જેમાં ગૃહ મંત્રી અમિત શાહ સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સામેલ થયા હતા.
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ચાર દિવસથી પ્રદર્શન કરી રહેલા કિસાન સંગઠનના પ્રદર્શનકારીઓએ બુરાડીના મેદાનમાં ગયા બાદ વાતચીત શરૂ કરવાના કેન્દ્રના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે. કિસાનોએ રવિવારે કહ્યું કે, તે કોઈ શરતી વાતચીત સ્વીકાર કરશે નહીં. તેમણે ચેતવણી આપી કે રાષ્ટ્રીય રાજધાનીમાં આવનારા તમામ પ્રવેશ માર્ગોને બંધ કરી દેશું.
કિસાનોની આ ચેતવણી વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સામેલ થયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બેઠક બે કલાક ચાલી હતી. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમા કહ્યુ કે, આ કૃષિ સુધારાએ કિસાનોને નવા અધિકાર અને અવસર આપ્યા છે અને ખુબ ઓછા સમયમાં તેમની મુશ્કેલીઓને ઓછી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પરંતુ ત્યારબાદ ઘર્ષણ ઓછુ થાય તેમ લાગી રહ્યું નથી. ગૃહ મંત્રાલયે કિસાન સંગઠનોને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્રીય મંત્રીઓનું એક ઉચ્ચ સ્તરીય દળ પ્રદર્શનકારીઓના બુરાડી મેદાન પહોંચ્યા બાદ તેની સાથે વાતચીત કરશે. કિસાનોના 30થી વધુ સંગઠનોની રવિવારે થયેલી બેઠકમાં કિસાનોના બુરાડી મેદાનમાં પહોંચ્યા પરત્રણ ડિસેમ્બરની તારીખ પહેલા વાર્તા કરી અમિત શાહની રજૂઆત પર વાતચીત કરવામાં આવી, પરંતુ હજારો પ્રદર્શનકારીઓએ આ પ્રસ્તાવને સ્વીકાર કરવાની ના પાડી દીધી અને ઠંડીમાં વધુ એક રાત સિંધુ તથા ટિકરી બોર્ડરો પર પસાર કરવાની વાત કહી.
કિસાનોના પ્રતિનિધિઓએ કહ્યું કે, તેમને શાહની આ શરત સ્વીકાર નથી કે તે પ્રદર્શન સ્થળ બદલી દે. તેમણે દાવો કર્યો કે, બુરાડી મેદાન એક ખુલી જેલ છે. વિપક્ષી પાર્ટીઓએ પણ તે વાત પર ભાર આપ્યો કે સરકારે કિસાનોની સાથે કોઈ શરત વગર વાતચીત શરૂ કરવી જોઈએ. ભારતીય કિસાન યૂનિયનના પંજાબ એકમના અધ્યક્ષ સુરજીત એસ ફૂલે કહ્યુ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રાખવામાં આવેલી શરત અમને મંજૂર નથી. અમે કોઈ શરતી વાતચીત કરીશું નહીં. અમે સરકારના પ્રસ્તાવનો અસ્વીકાર કરીએ છીએ. પ્રદર્શન ખતમ થશે નહીં. અમે દિલ્હીમાં પ્રવેશના બધા પાંચ રસ્તા બંધ કરીશું.
તેમણે કહ્યું, વાતચીત માટે શરત કિસાનોનું અપમાન છે. અમે બુરાડી જશું નહીં. તે પાર્ક નથી પરંતુ ખુલી જેલ છે. ભારતીય કિસાન યૂનિયનના હરિયાણા એકમના પ્રમુખ ગુરનામ સિંહ ચાધોનીએ કહ્યુ, અમે તેના (સરકાર) પ્રસ્તાવની શરતોનો સ્વીકાર નહીં કરીએ. અમે વાતચીત કરવા તૈયાર છીએ પરંતુ કોઈ શરત સ્વીકારીશું નહીં. તો શનિવારે બુરાડીના નિરંકારી સમાગમ મેદાન પરોંચી કિસાનોએ પોતાનું પ્રદર્શન જારી રાખ્યું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube