કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ફ્લાઇઓવર ધરાશાયી થવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ કોલકત્તાના માજેરહાટ ફ્લાઇઓવરનો એક ભાગ ધરાશાયી થયો જેમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 1નું મોત અને 19 લોકોને ઈજા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મંત્રી ફરહદ હકીમે જાણકાતી આપતા જણાવ્યું કે, આ ઘટનામાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. 6 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ બ્રિજ 40 વર્ષ જૂનો હતો. હજુ સુધી કોઈના મોત થયાના સમાચાર નથી. પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજીતરફ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, પ્રથમ બચાવ કાર્ય કરવામાં આવશે. બાદમાં દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે. 


દુર્ઘટના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. મારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે. હું ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરુ છું. 



સીએમ મમતા બેનર્જીએ રાહત તથા બચાવ કાર્યની સાથે મામલાની તપાસ કરવાના પણ આદેશ આપી દીધા છે. ભાજપે આ દુર્ઘટના માટે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર હુમલો કર્યો છે. ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ કહ્યું કે, મમતા બેનર્જીની સરકાર આ દુર્ઘટનાથી થયેલું નુકસાન ઓછી કરીને જણાવશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીને માત્ર સીએમની ખુરશીથી મતલબ છે. 




પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આ ઘટનામાં ઘણા લોકો દબાયા હોઈ શકે છે. ઘણી ગાડીઓ પણ કાટમાળની નીચે દબાયેલી હોઈ શકે છે. કાટમાળમાંથી અત્યાર સુધી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમની સ્થિતિ ગંભીર છે. 



કોલકત્તામાં હાલના દિવસોમાં પુલ તૂટવાની આ ત્રીજી મોટી ઘટના છે. 


આ પહેલા એપ્રિલ 2016માં કોલકત્તામાં નિર્માણાધીન પુલ પડવાથી 25 કરતા વધુ લોકોના મોત અને 100થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.