ટેરર ફંડિંગ: કાશ્મીરી અલગતાવાદીઓ પર કડક પગલા લેવાની તૈયારીમાં સરકાર
NIA અને ED દ્વારા સમન્વિત કાર્યવાહી હેઠળ તમામ અલગતાવાદી નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી માટેની તૈયારીઓ
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ સરકાર હવે અલગતાવાદીઓ પર શકંજો કસવા જઇ રહ્યા છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે સરકાર કાશ્મીરનાં તે અલગતાવાદી નેતાઓ પર આકરી કાર્યવાહી કરી શકે છે જે ટેરર ફંડિગ અને મનીલોન્ડ્રિંગમાં કથિત રીતે સંડોવાયેલા રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, આ NIA અને ED દ્વારા સમન્વિત કાર્યવાહી હેઠળ થશે.
કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં થયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં તેના પર ચર્ચા થઇ છે. તેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)નાં મહાનિર્દેશક યોગેશ ચંદર મોદી, પ્રવર્તન નિર્દેશાલય (ED)નાં નિર્દેશક કરનાલ સિંહ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થયો.
આ બેઠક ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યાનાં થોડા દિવસો બાદ જ થઇ છે. ત્યાર બાદથી રાજ્યમાં સક્રિય આતંકવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી પણ ખુબ જ તેજ થઇ ગઇ છે. તમન જણાવી દઇએ કે ખીણમાં કથિત રીતે ટેરર ફંડિગનાં એક કેસમાં NIAમાં પહેલા જ દિલ્હી કોર્ટમાં ટેરર માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ અને સૈયદ સલાહુદ્દીન સહિત 10 કાશ્મીરી અલગતાવાદીઓની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
ફાઇનલ રિપોર્ટમાં હુર્રિયત લીડર સૈયદ શાહ ગિલાનીનાં જમાઇ અલ્તાફ અહેમદ શાહ, ગિલાનીનાં અંગત સહાયક બશીર અહેમદ, આફતાબ અહેમદ શાહ, નઇ અહેમદ ખાન અને ફારૂક અહેમદ ડાર વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ED જમ્મુ અને કાશ્મીરમાં ફેમા અને PMLA હેઠળ ટેરર ફાઇનાન્સિંગ અંગેનાં ઓછામાં ઓછા એક ડઝન કેસી તપાસ કરી રહ્યા છે.