હરિયાણામાં હુડ્ડાએ આપ્યા બળવાના સંકેત, નવી પાર્ટીના નિર્માણની જવાબદારી સમિતિને સોંપી
રોહતક/હિસારઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપિંદર સિંહ હુડ્ડાએ રોહતકમાં પરિવર્તન મહારેલીનું આયોજન કર્યું હતું. આ રેલીના આયોજનના કારણે એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે તેઓ કોંગ્રેસને અલવિદા કહી શકે છે કે પછી કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. જોકે, હુડ્ડાએ મંચ પરથી 25 સભ્યોની એક સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, નવી પાર્ટી બનાવવી કે નહીં તેનો નિર્ણય આ સમિતિ લેશે.
આ અગાઉ રેલી દરમિયાન પુર્વ મુખ્યમંત્રી ભુપિન્દર સિંહ હુડ્ડાના સમર્થનમાં આવેલા તમામ નેતાઓએ તેમના નેતૃત્વમાં આગળ વધવાની વાત જણાવી હતી. ધારાસભ્ય કરણ દલાલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ફૂલચંદ મુલાના અને રઘુવીર કાદિયાને મંચ પરથી કોંગ્રેસના હરિયાણા નેતૃત્વમાં ફેરફાર માટે હુંકાર ભર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હાઈ કમાન્ડે આ અંગે વિચાર કરવો જોઈએ.
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું પોતાની જ પાર્ટી પર નિશાન,"કોંગ્રેસ રસ્તો ભુલી ગઈ છે, મારા માટે દેશ પહેલા"
આ રેલીમાં હુડ્ડાએ જાહેરાત કરી કે જો તેમની સરકાર બનશે તો હરિયાણામાંથી ગુનેગારોનો સફાયો કરી નાકશે. હુડ્ડાએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વર્તમાન ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે વચનો આપતા જણાવ્યું કે, તેઓ હરિયણામાં લઘુ ઉદ્યોગ લઈને આવશે. આંગણવાડી, મિડ ડે મીલના કર્મચારીઓનું ભથ્થુ સરકારી કર્મચારીઓ જેટલું કરશે. સાથે જ હરિયાણાના કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ થશે અને પંજાબને સમાન પગારધોરણ લાગુ કરશે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, જો હું મુખ્યમંત્રી બનીશ તો ચાર નાયબ મુખ્યમંત્રી બનાવીશ. હુડ્ડાની આ રેલીમાં હરિયાણા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. હુડ્ડાની રેલીને જોતાં રાજ્યમાં કોંગ્રેસમાં મોટો બળવો પોકારવામાં આવે એવી ભરપૂર શક્યતાઓ જણાઈ રહી છે.
જુઓ LIVE TV....