ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1957ની બીજી લોકસભા ચૂંટણીમાં નેહરુનો દબદબો
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ સામે કેટલાક વિરોધના સુર વચ્ચે પણ એક પણ મજબૂત વિરોધ પક્ષ ન હોવાને કારણે બીજી લોકસભા ચૂંટણીમાં પાર્ટી વધુ મજબૂત થઈને બહાર આવી હતી અને 1957ની લોકસભા ચૂંટણીએ એ સાબિત કરી દીધું કે નેહરુનો યુગ હજુ સમાપ્ત થવાનો નથી
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ આઝાદીના એક દાયકા બાદ ભારતે લોકશાહીનો સ્વાદ ચાખી લીધો હતો. જોકે, દેશમાં હજુ એકમાત્ર ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું એકછત્ર રાજ હતું અને તેમના વિરોધમાં એક પણ મજબૂત વિરોધ પક્ષ પેદા થયો ન હતો.
પાંચ વર્ષ પહેલા યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીના અનુભવ પછી સરકારને ઘણું શીખવા મળ્યું હતું. આથી, 1957ની બીજી લોકસભા ચૂંટણીમાં સરકાર ચૂંટણીનો ખર્ચ ઓછો કરવાના પ્રયાસોમાં ઘણી બધી સફળ થઈ હતી. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ જ ચૂંટણીમાં વિજયી બનશે એ નક્કી હતું, પરંતુ લોકશાહીની પ્રક્રિયા અંતર્ગત પ્રથમ ચૂંટણીને 5 વર્ષ પૂરા થતાં નવી ચૂંટણી યોજવી અનિવાર્ય હતું.
પાંચ વર્ષમાં થયેલા વિકાસ
- 1954 : ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર
- 1954 : ભારતે પોતાનો અણુ કાર્યક્રમ બનાવ્યો
- 1955 : ભારતના પ્રથમ કમ્પ્યૂટર HEC 2Mની કોલકત્તામાં સ્થાપના
- 1956 : ભારતમાં ભાષાના આધારે રાજ્યોની રચનાને મંજૂરી
- 1956 : બીજી પંચવર્ષીય યોજના રજૂ કરાઈ, ઔદ્યોગિકરણ પર ભાર મુકાયો
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1951-1952ની પ્રથમ ચૂંટણી લડનારા પક્ષો અને સ્થિતિ
1957ની લોકસભા ચૂંટણી
નીચેના 17 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાઈ હતી બીજી લોકસભાની ચૂંટણી
આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, બોમ્બે, કેરળ, મધ્ય પ્રદેશ, મદ્રાસ, મયસૂર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી (UT), હિમાચલ પ્રદેશ (UT), મણિપુર (UT), ત્રિપુરા (UT).
1957ના રાજકીય પક્ષોઃ
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા ભારતીય જન સંઘ અને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી. કુલ 15 પાર્ટીએ લોકસભા ચૂંટણી લડી હતી.
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 5 મહિના લાંબી ચાલી હતી પ્રથમ ચૂંટણી
બીજી લોકસભા ચૂંટણીનું પરિણામ
બીજી લોકસભા ચૂંટણી 494 બેઠકો પર લડાઈ હતી. જેમાં 91 બેઠકો બેવડું સભ્યપદ ધરાવતી હતી. એટલે કે, તેમાં એક સામાન્ય કેટેગરીનો અને એક એસસી/એસટી કેટેગરીનો એમ બે ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. બીજી ચૂંટણીના આયોજનની જવાબદારી પણ કેન્દ્ર સરકારે પ્રથમ સફળ ચૂંટણી યોજનારા સુકુમાર સેનને જ સોંપી હતી. સુકુમાર સેને ભૂતકાળના અનુભવને ધ્યાનમાં લઈને બીજી લોકસભાની ચૂંટણીમાં નાની-નાની બાબતો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને ચૂંટણીનો ખર્ચ ઘટાડવામાં સફળ રહ્યા હતા.
24 ફેબ્રુઆરીથી 9 જૂન, 1957 દરમિયાન બીજી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ફરી વખત વિજેતા બની હતી. તેનો વોટ શેર 45 ટકાથી વધીને 47.8 ટકા થયો હતો. કમ્યુનિસ્ટ પાર્ટી બીજા ક્રમની મોટી પાર્ટી બની હતી અને આ વખતે 1951ની ચૂંટણીની સરખામણીએ 11 વધુ બેઠક જીતવામાં સફળ રહી હતી. કોંગ્રેસે ઉત્તર ભારતમાં 85.5 ટકા બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. મતદારોમાં પણ થોડી જાગૃતિ જોવા મળી હતી અને 1951ના 44.87 ટકાની સરખામણીએ 1957માં 45.44 ટકાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 494માંથી 42 બેઠકો અપક્ષોએ જીતી હતી.
લોકસભા ચૂંટણી 2019: જાણો દેશના કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે
નવા નેતાઓનો ઉદય
આ ચૂંટણીમાં નવા ચૂંટાયેલા નેતાઓમાં અટલ બિહારી વાજપેયીનો સમાવેશ થાય છે, જેઓ પ્રથમ વખત ચૂંટાયા હતા. નેહરુ પણ તેમની બોલવાની છટાની પ્રશંસા કરતા હતા અને નેહરુએ ભવિષ્યવાણી પણ કરી હતી કે વાયપેયી એક દિવસ દેશના વડા પ્રધાન બનશે. બીજી નેતા હતા વી.કે. કૃષ્ણમેનન. તેઓ સંરક્ષણ મંત્રી બન્યા અને એ જ વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મિરના મુદ્દા પર ભારતની સ્થિતી અંગે તેમણે વિક્રમી 8 કલાક લાંબુ ભાષણ આપ્યું હતું.
સુકુમાર સેનનું નિધન
મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેનના વડપણ હેઠળ યોજાયેલી આ છેલ્લી ચૂંટણી રહી. કેમ કે 19 ડિસેમ્બર, 1958ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું. જોકે, તેઓ જે સમૃદ્ધ વારસો મુકી ગયા જેનો આજે પણ દરેક ભારતીય અનુસરણ કરી રહ્યો છે.