નવી દિલ્હી: પુરીમાં સતત બીજીવાર શ્રદ્ધાળુઓની હાજરી વગર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ સાથે જ જિલ્લા પ્રશાસને રવિવારે રાતે આઠ વાગ્યાથી બે દિવસનો કરફ્યૂ લગાવી દીધો છે. પવિત્ર રથોને આજે બપોરે 3 વાગે રવાના કરાશે. અધિકૃત સૂત્રો પાસેથી આ માહિતી મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાસને શ્રી જગન્નાથ મંદિરથી શ્રી ગુંડિચા મંદિર વચ્ચે 3 કિમી લાંબા ગ્રાન્ડ રોડ પર પ્રતિબંધ લાગૂ કર્યો છે. જ્યાં મેડિકલ ઈમરજન્સી સિવાય અન્ય તમામ ગતિવિધિઓ પર રોક રહેશે. કોવિડ મહામારીની હાલની સ્થિતિ જોતા આ વાર્ષિક ધાર્મિક આયોજનના સહજ સંચાલન માટે ઓછામાં ઓછી 65 ટુકડીઓ તૈનાત કરાઈ છે જેમાં પ્રત્યેક ટુકડીમાં 30 જવાન સામેલ છે. 


રથ ખેંચનારા લોકોને કોરોના રસી, આરટી પીસીઆર ટેસ્ટ
ભગવાનના રથ ખેંચનારા ખલાસીઓને કોરોના રસી મૂકવામાં આવી છે. જે લોકોના આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હશે તેમને જ રથયાત્રામાં સામેલ થવાની મંજૂરી અપાશે. 


પુરીના જિલ્લાધિકારી સમર્થ વર્માએ કહ્યું કે લોકોને અપીલ કરાઈ છે કે તેઓ કરફ્યૂના સમયગાળા દરમિયાન રવિવારે આઠ વાગ્યાથી મંગળવારે રાતે આઠ વાગ્યા સુધી ઘરોમાંથી બહાર ન નીકળે અને ગ્રાન્ડ રોડ ઉપર પણ ભીડ ભેગી ન કરે. તેમણે કહ્યું કે લોકો પોતાના ટીવી પર આ ઉત્સવનો આનંદ ઉઠાવી શકે છે અને સરકારે આ અંગે વ્યવસ્થા કરેલી છે. 


અત્રે જણાવવાનું કે જગન્નાથ રથયાત્રા આજથી શરૂ થઈ રહી છે જેનું સમાપન 20 જુલાઈના રોજ દેવપોઢી એકાદશીએ થશે. જો કે ગત વર્ષની જેમ જ આ વરષે પણ કોરોના ગાઈડલાઈન્સના કારણે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભાગ લઈ શકશે નહીં. ભગવાન જગન્નાથની આ રથયાત્રાનું આયોજન ઓડિશાના પુરીમાં દર વર્ષે વિશાળ પાયે આયોજન થતું હોય છે. 


દસ દિવસ સુધી ચાલે છે રથયાત્રા
હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે. આ વર્ષે આ રથયાત્રા 12 જુલાઈ 2021ના રોજ આરંભ થશે. અને તેનું સમાપન 20 જુલાઈ મંગળવારના રોજ દેવપોઢી એકાદશીના દિવસે પૂરેપૂરી વિધિ વિધાનથી કરવામાં આવશે. જો કે આ દરમિયાન ભગવાનની યાત્રા માટે રથ બનાવવાના કાર્યનો આરંભ અક્ષય તૃતિયા એટલે કે 15મી મેથી ચાલી રહ્યું છે. ભગવાન જગન્નાથની આ યાત્રા લગભગ 10 દિવસ સુધી ચાલે છે. જેમાં પ્રથમ દિવસે ભગવાન જગન્નાથને ગુંડિચા માતાના મંદિરે લઈ જવાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube