નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર સ્થિત બાંદીપોરા જિલ્લાના પનારના જંગલોમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં બે આતંકીઓનો ખાતમો બોલાવાયો છે જ્યારે સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. પનારના જંગલોમાં સેના છેલ્લા છ દિવસોથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં છેલ્લા છ દિવસોમાં અનેકવાર સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થયેલી છે. એએનઆઈના રિપોર્ટ મુજબ આજે વહેલી સવારે થયેલી અથડામણમાં સેનાએ બે આતંકીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. જ્યારે અથડામણમાં સેનાનો એક જવાન પણ શહીદ થઈ ગયો.



અત્રે જણાવવાનું કે સેનાને શનિવારે મોડી રાતે બાંદીપોરાના પનાર વિસ્તારના જંગલોમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. આ સૂચના બાદ સેનાની 14 રાષ્ટ્રીય રાયફલ્સના જવાનોએ પનારના જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ કાર્યવાહી દરમિયાન આતંકીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કરીને ભાગવાની કોશિશ કરી. ત્યારબાદ તરત એસઓજી અને સીઆરપીએફના જવાનોને ઘટનાસ્થળે બોલાવીને જંગલોની ઘેરાબંધી કરાઈ.


ત્યારબાદ સેનાએ પનાર વિસ્તારના જંગલોમાં સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે. નોંધનીય છે કે કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષાદળો પર હુમલા વધી રહ્યાં છે. આ ઉપરાંત રમજાનમાં સીઝફાયરની જાહેરાત બાદથી પણ કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં હથિયાર લૂંટની ઘટનાઓ પણ ઘટી.