હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત, સ્ટેટ ઓફ ગ્લોબલ એરનો રિપોર્ટ ચોંકાવનારો

State of Global Air Report: હવાનું પ્રદૂષણ દુનિયાભરમાં દર વર્ષે 81 લાખ લોકોને પોતાના શિકાર બનાવે છે. તેમાંથી 21 લાખ મોત એકલા ભારતમાં જ થાય છે. આ ખુલાસો થયો છે સ્ટેટ ઓફ ગ્લોબલ એરના 2024ના રિપોર્ટમાં. ત્યારે હવામાં એવું શું ભળી જાય છે કે વાયુ પ્રદૂષણ જીવલેણ બની જાય છે? વાયુ પ્રદૂષણ કઈ રીતે લોકોના આયુષ્યને ઘટાડી રહ્યું છે?  

હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત, સ્ટેટ ઓફ ગ્લોબલ એરનો રિપોર્ટ ચોંકાવનારો

Air Pollution: આ ડરામણો આંકડો બીજા કોઈ દેશનો નહીં પરંતુ ભારતનો છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2024ના રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તેણે દરેક ભારતીયોને ડરાવી દીધા છે. આ રિપોર્ટ એટલા માટે ચિંતા વધારી રહ્યો છે. કેમ કે દેશની રાજધાની દિલ્લીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સનું સ્તર 500ને પાર પહોંચી ગયું છે. આ ગંભીર શ્રેણીમાં તંદુરસ્ત લોકો પણ બીમાર પડી શકે છે. 

આ રિપોર્ટમાં શું ખુલાસો થયો છે તેના પર નજર કરવી પણ જરૂરી છે.

  • સૌથી મોટું રિસ્ક PM2.5 છે.
  • PM2.5નો અર્થ છે 2.5 માઈક્રોનનો કણ.
  • તે માણસના વાળ કરતાં પણ 100 ગણો પાતળો હોય છે.
  • નાક અને મોં વાટે તે શરીરની અંદર ઘૂસી જાય છે.
  • શરીરમાં તે હ્રદય અને ફેફસાંને પ્રભાવિત કરે છે.
  • PM2.5ના કારણે 2021માં 78 લાખ લોકોના મોત થયા હતા.
  • વાયુ પ્રદૂષણના કારણે જેટલાં મોત થયા હતા તેમાં 96 ટકાથી વધુ આ કણ હતા.

મોતનું બીજું મોટું કારણ ઝેરી હવા
2021માં દુનિયામાં થયેલા મોતનું બીજું સૌથી મોટું કારણ ઝેરી હવા જ હતી. સૌથી વધારે ખતરો એશિયાઈ અને આફ્રિકાના દેશો પર છે. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે 81 લાખ મોતમાંથી 58 ટકા મોતનું કારણ વાતાવરણમાં રહેલ પ્રદૂષણ રહ્યું છે. જ્યારે 38 ટકા મોત ઘરની અંદર રહેલા પ્રદૂષણના કારણે થયા હતા. જો કે, ચિંતાની વાત એ છે કે 5 વર્ષથી નાના બાળકોના મોતનું સૌથી મોટું કારણ વાયુ પ્રદૂષણ છે. 

5 વર્ષથી નાના બાળકો માટે વાયુ પ્રદૂષણનો ખતરો વધારે
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે 5 વર્ષથી નાના બાળકો માટે ભારતમાં વાયુ પ્રદૂષણ કેમ મોટો ખતરો છે? તો તે અમે નહીં પરંતુ આ રિપોર્ટના આંકડા કહી રહ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં વાયુ પ્રદૂષણના કારણે 19,100 બાળકોનાં મોત થયા છે. ઈથોપિયામાં વાયુ પ્રદૂષણે 31,100 બાળકોનો ભોગ લીધો છે. તો પાકિસ્તાનમાં વાયુ પ્રદૂષણથી 68,100 બાળકોનાં મોત થયા છે. તેમજ નાઈજિરીયામાં વાયુ પ્રદૂષણના કારણે 1,14,100 બાળકોનાં મોત થયા છે. જ્યારે ભારતમાં વાયુ પ્રદૂષણે 1,69,400 બાળકોનો જીવ લીધો છે.

આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દુનિયાભરમાં PM2.5નું સૌથી વધારે પ્રમાણ ભારતમાં છે. તેમાં પણ દેશની રાજધાની દિલ્લીમાં તેનું પ્રમાણ સૌથી વધારે છે. ઠંડીની સિઝનમાં તો ભારતમાં ઘરની અંદરની હવા બહારની હવા કરતાં 41 ટકા વધુ પ્રદૂષિત હોય છે. આ સ્થિતિમાં માણસ જાય તો જાય ક્યાં? વાયુ પ્રદૂષણના કારણે નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના તમામ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. જે ધીમે-ધીમે તેમને મોતના મુખમાં ધકેલી દે છે. 

ઝેરી હવાએ 2021માં 81 લાખ લોકોના લીધા જીવ
તમારા મનમાં પાછો એવો સવાલ થતો હશે કે ઝેરી હવા કેમ માણસની દુશ્મન બની ગઈ છે. 2021માં મ્યાનમારમાં ઝેરી હવાથી 1.01 લાખ લોકોના મોત થયા હતા. બાંગ્લાદેશમાં 2.36 લાખ લોકો ઝેરી હવાથી મોતને ભેટ્યા હતા. પાકિસ્તાનમાં 2.56 લાખ લોકો ઝેરી હવાનો શિકાર બન્યા હતા. જ્યારે ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત થયા હતા. 23 લાખ લોકોના મોત સાથે ચીન યાદીમાં પહેલા નંબરે રહ્યું છે. આખી દુનિયામાં ઝેરી હવાએ 2021માં 81 લાખ લોકોનો જીવ લીધો હતો.

દુનિયાના તમામ દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના પ્રયાસો તો કરે છે. પરંતુ હજુ સુધી તેના કોઈ નક્કર પરિણામ આવ્યા નથી. દર વર્ષે મોતનો આંકડો વધતો જઈ રહ્યો છે. આ અંગે વિકસિત અને વિકાસશીલ દેશોએ ભેગા મળીને ઉપાયો કરવા પડશે નહીં તો માનવજીવન પર મોટું સંકટ સર્જાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news