શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની, કરશે બે સપ્તાહનું તપ
સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સની પત્ની પોવેલ સાધ્વી બનશે અને મહાકુંભમાં બે અઠવાડિયા સુધી ધ્યાન કરશે. તે નિરંજની અખાડામાં કલ્પવાસ વિતાવશે. કલ્પવાસ શું છે, જાણો તેના નિયમો અને મહત્વ...,
પ્રયાગરાજઃ એપલના સહ-સંસ્થાપક દિવંગત સ્ટીવ જોબ્સના પત્ની લોરેન્સ પોવેલ જોબ્સ 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભમાં ભાગ લેશે. દર 12 વર્ષે આયોજીત થનાર હિન્દુઓના પવિત્ર મેળામાં પોવેલ સાધ્વી બની મહાકુંભમાં બે સપ્તાહ સુધી તપ કરશે. તે કલ્પવાસમાં સમય પસાર કરશે. કલ્પવાસ ખુબ જૂની હિંદુ પરંપરા છે, જેનું મહાકુંભ જેવા મહામેળામાં મહત્વ ખુબ વધી જાય છે. તેનો ઉલ્લેખ વેદ-પુરાણોમાં પણ મળે છે.
એક રિપોર્ટ અનુસાર પોવેલ નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદની શિબિરમાં રહેશે. તે વિવિધ અનુષ્ઠાનોમાં ભાગ લઈ શકે છે અને સંગમમાં પવિત્ર ડુબકી લગાવી શકે છે, તે મહાકુંભના આધ્યાત્મિક સારને સંપૂર્ણ રીતે આત્મસાત કરી લેશે. તેમન પ્રવાસ 29 જાન્યુઆરી સુધી ચાલશે.
શું હોય છે કલ્પવાસ
તેમ કહેવામાં આવે છે કે કલ્પવાસ કરવાથી મનની ઈચ્છાનું ફળ મળે છે. તેનાથી જન્મ-જન્માંતરના બંધનોથી મુક્તિ મળી જાય છે. સંગમમાં સમગ્ર માઘ માસની સાધનાને કલ્પવાસ કહેવામાં આવે છે. મહાભારત અનુસાર 9 વર્ષ સુધી કંઈપણ ખાધા-પીધા વગર તપસ્યાનું પરિણામ માઘ મહિનાના કલ્પવાસ સમાન છે. શાસ્ત્રો અનુસાર કલ્પવાસનો સૌથી ઓછો સમયગાળો એક રાત્રિનો હોઈ શકે છે અને ઘણા લોકો કલ્પવાસ ત્રણ રાત, ત્રણ મહિના, છ મહિના, 12 વર્ષ અને આજીવન કરે છે.
આ પણ વાંચોઃ મહિલાના શરીરને જોઈને 'ફાઈન' બોલશો તો ગણાશે અભદ્ર ટિપ્પણી, જાણો શું કહ્યું હાઈકોર્ટે
કલ્પવાસના નિયમ શું છે
કલ્પવાસ કરવો સરળ નથી. કલ્પવાસ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે- જેમાં સાચું બોલવું, અહિંસા, ઈન્દ્રિયો પર નિયંત્રણ કરવું, બધા પ્રાણીઓ પર દયાભાવ રાખવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, બધા વ્યસનોનો ત્યાગ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, દરરોજ ત્રણ વખત પવિત્ર નદીમાં સ્નાન કરવું, પિતૃનું પિંડદાન, દાન કરવું, જપ, સંકલ્પિત ક્ષેત્રની બહાર ન નિકળવું, કોઈની નિંદા ન કરવી, સાધુઓની સેવા કરવી, એક સમય ભોજન, જમીન પર સૂવુ, અગ્નિ સેવન અને અંતમાં દેવ પૂજન સામેલ છે.
દર 12 વર્ષે આયોજીત થનાર મહાકુંભ મેળો હિંદુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સમારહોમાંથી એક છે. તેમાં દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુ, સંત અને સાધક આવે છે. આ વર્ષે મહાકુંભમાં કરોડો ભક્તો પહોંચે તેવી આશા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું. મંથન દરમિયાન ઝેર નિકળ્યું અને અમૃત પણ. તેમ માનવામાં આવે છે કે અમૃતના કેટલાક ટીંપા ધરતીના ચાર ભાગ પર પડ્યા હતા. ત્યારબાદ આ ચાર સ્થાન પવિત્ર થઈ ગયા. આ સ્થાનો પર દર 12 વર્ષે મહાકુંભનું આયોજન થાય છે.