બેંગલુરુઃ કર્ણાટકમાં રાજકીય સંકટ દિવસે ને દિવસે વધુ ને વધુ ઘેરું બનતું જઈ રહ્યું છે. ભાજપ દ્વારા બેંગલુરુની હોટલ રમાડામાં પોતાનાં ધારાસભ્યો માટે 30 રૂમ બૂક કરવામાં આવ્યા છે. આ બાજુ કોંગ્રેસે 9 જુલાઈના રોજ પોતાનાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે. વિદેશથી પરત ફરેલા કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામીએ રવિવારે રાત્રે બેંગલુરુની તાજ વેસ્ટ એન્ડ હોટલમાં પાર્ટીનાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેડીએસના નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી જી.ટી. દેવગૌડાએ આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો મારી પાર્ટી નિર્ણય લેશે તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. તેમણે કહ્યું કે, હું ભાજપમાં જોડાવાનો નથી, અમારી ગઠબંધન સરકાર રાજ્યની ભલાઈ માટે બની છે. તેમણે કહ્યું કે, મારી ધારાસભ્ય એચ. વિશ્વનાથ સાથે પણ વાતચીત થઈ છે. વિશ્વનાથે જણાવ્યું છે કે, જો બંને પાર્ટીઓ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા તૈયાર થાય છે કે પછી કોંગ્રેસ અથવા જેડીએસમાંથી કોઈ અન્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવાશે તો તેઓ પાછા આવવા તૈયાર છે. 


કર્ણાટકમાં રાજકીય ભૂકંપનું આ છે આખું ગણિત, જાણો કયા પક્ષમાં છે કેટલો દમ 


સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ વિદેશથી પરત ફરતાં જ રવિવારે સાંજે જેડીએસના ધારાસભ્યોનું બેંગલુરુની તાજ વેસ્ટ એન્ડ હોટલમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં જેડીએસના તમામ 34 ધારાસબ્યોને ફરજિયાત હાજર રહેવા જણાવાયું છે. બીજી તરફ ભાજપ દ્વારા બેંગલુરુની રમાડા હોટલમાં પોતાનાં ધારાસભ્યો માટે બે દિવસ માટે 30 રૂમ બૂક કરવામાં આવ્યા છે. 


કોંગ્રેસે પણ કર્ણાટકના રાજકીય સંકટમાંથી બહાર આવવા માટે પોતાના ધારાસભ્યો માટે એક સર્ક્યુલર બહાર પાડ્યું છે. જેમાં 9 જુલાઈ(મંગળવાર)ના રોજ યોજાનારી ધારાસભ્યોની બેઠક (CLP)માં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે આદેશ અપાયો છે. સર્ક્યુલરમાં જણાવાયું છે કે, જે ધારાસભ્ય આ બેઠકમાં સામેલ નહીં થાય તેની સામે શિસ્તભંગના પગલાં સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. 


કર્ણાટક સંકટ પર સિદ્ધારમૈયાનું નિવેદન, 'આ ભાજપનું ષડયંત્ર, કોંગ્રેસ-JDSની સરકાર બચી જશે'


આ બેઠક કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તરફથી બોલાવાઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોની આ બેઠકમાં કર્ણાટક કોંગ્રેસના ઈન્ચાર્જ કે.સી. વેણુગોપાલ અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકારના 11 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. જેમાં કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્યનો સમાવેશ થાય છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....