કર્ણાટક વિવાદ : કોંગ્રેસ ધારાસભ્યોને રિર્સોટમાં પણ મળી રહી છે ધમકીઓ
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, આજે દેશ અને વિપક્ષ બંને સહી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ બહુમત સાબિત કરવામાં સફળ થશે. કારણ કે અમારી પાસે સૌથી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.
બેંગલુરૂ : કર્ણાટકના બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે રાજ્યપાલના નિર્ણય વિરૂધ્ધ કોર્ટમાં ગયેલ કોંગ્રેસે ભાજપ સામે ગંભીર આરોપ લગાવ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમારા ધારાસભ્યોને ધમકીઓ મળી રહી છે. ધારાસભ્યોને ધમકીઓ મળ્યા બાદ સુરક્ષાના કારણોસર એમને હૈદરાબાદ લાવવામાં આવ્યા છે.
દેશ અને વિપક્ષ બંને સહી રહ્યા છે
મીડિયાને જણાવતાં આઝાદે કહ્યું કે આજે દેશ અને વિપક્ષ બંને સહન કરી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ બહુમત સાબિત કરવામાં સફળ થશે. કારણ કે અમારી પાસે સૌથી વધુ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સંયુકત્ત રીતે સરકાર બનાવવામાં સફળ થશે.
હૈદરાબાદ લવાયા ધારાસભ્યોને
તમને જણાવી દઇએ કે કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોને લઇને ત્રણ બસો બેંગલુરૂથી હૈદરાબાદ આવી પહોંચી છે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો પાર્ક હયાત હોટલમાં પહોંચ્યા છે. સુરક્ષાના ખાતર આ ધારાસભ્યોને બેંગલુરૂથી હૈદરાબૈદ ખસેડાયા હોવાનું કોંગી નેતાનું કહેવું છે.
શનિવારે થશે આખરી ફેંસલો
ભાજપને સરકાર બનાવવા માટે અપાયેલા આમંત્રણ મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતાં શુક્રવારે સવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ભાજપને બહુમત સાબિત કરવા ટકોર કરી છે અને શનિવાર સાંજે ચાર વાગ્યા સુધી બહુમત પુરવાર કરવા કહ્યું છે નહીંતર રાજ્યપાલના નિર્ણય સામેનો કેસ આગળ ચલાવવા પણ કહ્યું છે.