નવી દિલ્હી: તપાસ એજન્સી સીબીઆઈના આંતરિક વિવાદ મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકારને ઘેરવા માટે આજે દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ આજે દિલ્હીના લોધી રોડ સ્થિત દયાલ સિંહ કોલેજથી શરૂ થયેલી કોંગ્રેસની માર્ચ સીબીઆઈ મુખ્યાલય સુધી પહોંચી જ્યાં રાહુલ ગાંધી પોલીસ બેરીકેડ પર બેસી ગયેલા જોવા મળ્યાં. તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિરોધ પીએમ મોદીના ગેરબંધારણીય નિર્ણય વિરુદ્ધ છે. આ પ્રદર્શનને જોતા સીબીઆઈ હેડક્વાર્ટરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પ્રદર્શનને લઈને કોંગ્રેસને તૃણમૂલ કોંગ્રેસનો પણ સાથ મળ્યો છે. જો કે આ વિરોધ પ્રદર્શન બાદ રાહુલ ગાંધીએ સાંકેતિક ધરકપડ પણ વ્હોરી છે. કોંગ્રેસના કહેવા મુજબ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની અટકાયત કરવામાં આવી છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીને ત્યારબાદ લોધી રોડ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જેટલી પણ વાર મારી ધરપકડ કરવી હોય કરી લો, મને કોઈ ફરક પડશે નહીં.




સીબીઆઈ હેડક્વાર્ટર પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ તો દાવો કર્યો છે કે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની પોલીસે ધરપકડ કરી. દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં સીબીઆઈના હેડક્વાર્ટર પર પ્રદર્શન ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા સહિત અનેક જગ્યાઓ પર સીબીઆઈની ઓફિસો સામે પ્રદર્શન કરાયા છે. 



અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 'શુક્રવારે દેશભરમાં સીબીઆઈના કાર્યાલયોની બહાર કોંગ્રેસ પાર્ટી સીબીઆઈના ચીફને હટાવીને રાફેલ કૌભાંડની તપાસને રોકવા માટેના વડાપ્રધાન મોદીના શરમજનક પ્રયત્નનો વિરોધ કરશે.' તેમણે ટ્વિટમાં લખ્યું કે હું સવારે 11 વાગ્યે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પ્રદર્શનનું નેતૃત્વ કરીશ.



કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી સીબીઆઈ ડાઈરેક્ટર વર્મા વિરુદ્ધના આદેશને તરત પાછા ખેંચવાની માગણી સાથે જ વડાપ્રધાન મોદી પાસે આ સમગ્ર પ્રકરણ પર દેશ સમક્ષ માફી માંગવાની માગણી કરશે. કોંગ્રેસ મહાસચિવ અશોક ગહેલોતે પણ તમામ કોંગ્રેસ મહાસચિવો, પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓને પત્ર લખીને કહ્યું છે કે દેશભરમાં સીબીઆઈ કાર્યાલયોની બહાર ભાજપ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શનો કરવામાં આવે. 



રજા પર ઉતારી દેવાયા છે રાકેશ અસ્થાના અને આલોક વર્માને
ઉલ્લેખનીય છે કે વિવાદના કેન્દ્રમાં આવેલા આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાનાને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ મંગળવારે મોડી રાતે આદેશ જારી કરીને રજા પર ઉતારી દીધા છે. વડાપ્રધાનના નેતૃત્વવાળી નિયુક્તિ સમિતિએ મંગળવારે રાતે એક આદેશ જારી કરીને એજન્સીના ડાઈરેક્ટરનો ચાર્જ જોઈન્ટ ડાઈરેક્ટર એમ.નાગેશ્વર રાવને સોંપી દીધો. 


કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે સરકારે 'રાફેલ-ફોબિયા'થી ઊભી થયેલી સમસ્યા પર જવાબદારીમાંથી બચવા અને અગ્રણી તપાસ એજન્સી પર નિયંત્રણ મેળવવા માટે વર્માને હટાવ્યાં છે.