MP અધ્યક્ષ અને નેતા પ્રતિપક્ષ માટે થઇ બેઠક, ગેરહાજર રહ્યા શિવરાજ, અટકળોનો દોર શરૂ
ભોપાલમાં પાર્ટીની એક મહત્વની બેઠક યોજાઇ અને તેમાં શિવરાજ સિંહ ચૌહાણ હાજર ન રહ્યાં તો સવાલો તો ઉભા થવા સ્વાભાવિક છે. શિવરાજ ભોપાલમાં જ હાજર હતા. પરંતુ તો પણ તેઓ બેઠકમાં ન પહોંચ્યા એવામાં હવે ઘણા પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યાં છે.
સંદીપ ભમ્મારકર, ભોપાલ: મધ્ય પ્રદેશના રાજકારણમાં છેલ્લા દોઢ દશકથી શિવરાજ સિંહ ચૌહાણ સૌથી મોટું નામ રહ્યું છે. તેઓ પ્રદેશના સૌથી લાંબા સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. રાજ્યમાં તેઓ ભાજપનો સૌથી મોટો ચહેરો રહ્યાં છે. આ ચૂંટણીમાં થોડા અંતરથી તેમને હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ચૂંટણી પછી પણ તેઓ સક્રિય જોવા મળ્યા છે. એવામાં જ્યારે ભોપાલમાં પાર્ટીની એક મહત્વની બેઠક યોજાઇ અને તેમાં શિવરાજ સિંહ ચૌહાણ હાજર ન રહ્યાં તો સવાલો તો ઉભા થવા સ્વાભાવિક છે. શિવરાજ ભોપાલમાં જ હાજર હતા. પરંતુ તો પણ તેઓ બેઠકમાં ન પહોંચ્યા એવામાં હવે ઘણા પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યાં છે.
વધુમાં વાંચો: ગડકરીને ડેપ્યૂટી પીએમ અને શિવરાજને બનાવવામાં આવે પાર્ટી અધ્યક્ષ: સંઘપ્રિય ગૌતમ
તમને જણાવી દઇએ કે ભોપાલમાં નેતા પ્રતિપક્ષ અને અધ્યક્ષ ચૂંટણી માટે મીટિંગ થઇ, પરંતુ શિવરાજ ભોપાલમાં હોવા છતાં પણ આ બેઠકમાં હાજર રહ્યાં ન હતા. આવું પહેલી વખત થયું છે કે કોઇ રાજકીય મીટિંગમાં શિવરાજ સિંહ ચૌહાણ ગેરહાજર રહ્યાં છે.
શિવરાજ સિંહની ગેરહારજીએ રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ કરી દીધી છે. સવાલો ઉભા થઇ રહ્યાં છે કે વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ મધ્ય પ્રદેશ ભાજપમાં શું હવે શિવરાજ વગર નિર્ણયો થશે. 13 વર્ષ સુધી સરકારની સાથે ભાજપને પણ એકતરફી ચલાવનાર શિવરાજની ગેરહાજરીથી ચર્ચાઓ વધી ગઇ છે.
વધુમાં વાંચો: HAL કોન્ટ્રાક્ટ મામલો: રાહુલે માગ્યું રક્ષામંત્રીનું રાજીનામું, નિર્મલા સીતારામને પુરાવા સાથે આપ્યો જવાબ
કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યાં છે કે શિવરાજ વગર ભાજપનો આ નવો દોર પણ હોઇ શકે છે. ભાજપ પ્રવક્તા રજનીશ અગ્રવાલે જણાવ્યું કે, શિવરાજની જાણકારી વગર કોઇ નિર્ણય લેવાઇ શકે નહીં. તો આ મામલે કોંગ્રેસના નેતા સૈયદ ઝાફરનું કહેવું છે કે કોંગ્રેસ તેને ભાજપનો આંતરિક મામલો ગણે છે. એટલા માટે કોઇ ટિપ્પણી કરવી યોગ્ય નથી.