મુરૈના: મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 28 નવેમ્બરે યોજાઈ ગયું અને હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. મધ્ય પ્રદેશની સૌથી મોટી 'પંચાયત'માં પહોંચવા માટે રાજકીય પક્ષોએ કોઈ કસર છોડી નથી. મધ્ય પ્રદેશમાં એક એવું મંદિર છે કે જેનાથી દેશની સૌથી મોટી પંચાયત (સંસદ) પ્રેરિત છે એવું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે દેશની સંસદની ડિઝાઈન આ મંદિરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હતી. સંસદ આ મંદિરની શૈલી પર બની છે. આ મંદિર સંસદ ભવનથી એટલું મળતું આવે છે કે દૂરથી જુઓ તો સંસદ ભવન જ લાગે. આ મંદિરને ખુબ જ રહસ્યમયી મનાય છે. તેને પ્રાચીન સમયના તંત્રમંત્ર વિદ્યાની યુનિવર્સિટી પણ કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગભગ 700 વર્ષ પહેલા બન્યું હતું મંદિર
આ મંદિર ચંબલના મુરૈના જિલ્લાના મેતાવલી ગામમાં છે. તે 64 યોગિની મંદિર છે. કહેવાય છે કે તેનું નિર્માણ ઈ.વી. 1300ની આસપાસ થયું હતું. આ મંદિર વૃત્તિય આધાર પર નિર્મિત છે. તેમાં 64 રૂમ છે. વચ્ચે એક ખુલ્લો મંડપ છે. મંદિરનું બાંધકામ આખું ગોળ છે. આવવા જવા માટે એક ગેટની જેમ રસ્તો બનેલો છે. મંદિર ચંબલના ગાઢ જંગલો વચ્ચે એક ઊંચી પહાડી પર બનેલુ છે. 



મંદિરના પેટાળમાં છે અનેક રહસ્યો, તંત્રમંત્રનું હતું મોટું કેન્દ્ર
ચંબલની ઐતિહાસિક ઈમારતો પર શોધ કરનારા એક્ટિવિસ્ટ શાહ આલમ કહે છે કે 1921માં દેશની સંસદ બનવાની શરૂ થઈ ત્યારે તેની ડિઝાઈન અહીંથી લેવામાં આવી હતી, પરંતુ આ વાતને જાહેર કરવામાં આવી નહતી. સંસદ બિલકુલ આ મંદિરની જેમ જ છે. તેઓ કહે છે કે આ મંદિરમાં અનેક રહસ્યો છૂપાયેલા છે. લાંબા સમયથી અવાવરું પડ્યું હતું. આ દરમિયાન તંત્ર મંત્ર વિદ્યાનું મોટું કેન્દ્ર રહ્યું. તેના પ્રમાણ પણ મળે છે. એવું કહેવાય છે કે આ મંદિર તંત્ર મંત્ર વિદ્યાની યુનિવર્સિટી હતું. તેઓ કહે છે કે દેશના મોટાભાગના લોકોને આ રહસ્યમયી જગ્યા અને ભારતીય સંસદ સાથે તેના કનેક્શનની જાણ જ નથી. 


સર એડવિન લુટયંસ અને સર હરબર્ટ બેકરે તૈયાર કરી હતી ભારતીય સંસદની ડિઝાઈન
અત્રે જણાવવાનું કે દેશની સંસદને અંગ્રેજ સર એડવિન લુટયંસ અને સર હરબર્ટ બેકર દ્વારા  ડિઝાઈન કરવામાં આવી હતી. દેશની સંસદનો શિલાન્યાસ 12 ફેબ્રુઆરી 1921ના રોજ થયો હતો. જાન્યુઆરી 1927ના રોજ તે બનીને તૈયાર થઈ ગઈ. ભારતના તત્કાળ ગવર્નર જનરલ લોર્ડ ઈરવિને તેનું ઉદ્ધાટન કર્યું હતું. ખુબ મહેનત બાદ 6 વર્ષમાં સંસદ બનીને તૈયાર થઈ. 



ક્યાંય નથી આવું મંદિર, સંસદ આ મંદિરનું સ્વરૂપ
આર્કિયોલોજિસ્ટ ડો. વસીમ ખાનનું કહેવું છે કે આ મંદિર ગુર્જર અને કછપ કાલિન છે. ડો. વસીમ કહે છે કે આવું મંદિર બીજે  ક્યાય નથી. અહીંથી એવા અવશેષો મળ્યા છે કે તેનાથી માલુમ પડે છે કે તેમાં વિષ્ણુ ભગવાનની પૂજા થતી હતી. તેઓ જણાવે છે કે એવું પણ હોઈ શકે કે આ કોઈ અન્ય શક્તિ કે દેવીનું મંદિર પણ રહ્યું હોય. હાલ રહસ્ય એ છે કે આખરે આટલા અદભૂત મંદિરનું નિર્માણ કયા હેતુથી કરવામાં આવ્યું હતું. આ મંદિર પુરાતત્વ વિભાગ ભોપાલ દ્વારા સંરક્ષિત છે. વસીમ  ખાન કહે છે કે આ રહસ્યમયી મંદિર બિલકુલ એવું જ છે જેવી આપણા દેશની સંસદ છે. સંસદ ભવન ગોળાકાર છે, આ મંદિર પણ બરાબર તેની જેમ ગોળાકાર છે. તેની વચ્ચે પણ ભવન છે. જોવામાં એમ જ લાગે કે આ સંસદનું જ એક સ્વરૂપ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...