ટોનથી ઓળખી શકું છું, એક મારી બહેનનો અવાજ...બિટકોઈનવાળા આરોપ પર અજીત પવારનું મોટું નિવેદન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ 288 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે પરંતુ આ મતદાન વચ્ચે બિટકોઈન કૌભાંડ પર વિવાદ વધી રહ્યો છે. હવે આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ કૂદી પડ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ 288 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે પરંતુ આ મતદાન વચ્ચે બિટકોઈન કૌભાંડ પર વિવાદ વધી રહ્યો છે. હવે આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ કૂદી પડ્યા છે. તેમણે દાવો કર્યો છે કે એક અવાજ તેમની બહેન સુપ્રિયા સુલેનો અવાજ છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા મોટો વિવાદ સામે આવ્યો. જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી રવિન્દ્રનાથ પાટિલે સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે પર ચૂંટણી માટે ધન ભેગુ કરવા હેતુ બિટકોઈન કૌભાંડની આવકનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.
સુપ્રિયા સુલેની સફાઈ
સુપ્રિયા સુલેએ બુધવારે આરોપોને ફગાવતા તેને પાયા વિહોણા ગણાવ્યા. એએનઆઈ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, મે માનહાનિનો કેસ અને ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. હું ક્યાંય પણ, ગમે ત્યારે, કોઈ પણ મંચ પર તેમના (સુધાંશુ ત્રિવેદી) પાંચ સવાલોના જવાબ આપવા માટે તૈયાર છું. આ આરોપો સંપૂર્ણ રીતે ખોટા અને મનગઢંત છે.
ટોનથી ઓળખી શકું છું- અજીત પવાર
આ વિવાદને હવા આપતા સુપ્રિયા સુલેના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે દાવો કર્યો કે તેમણે રવિન્દ્ર પાટિલ દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા કથિત ઓડિયો ક્લિપમાં સુપ્રિયા સુલેનો અવાજ ઓળખ્યો છે. તેમણે આ મામલે ઊંડી તપાસનો વાયદો કર્યો. મીડિયા સાથે વાતચીત દરમિયાન અજીત પવારે કહ્યું કે ઓડિયો ક્લિપના ટોનથી હું અવાજ ઓળખી શકુ છું. તેમાંથી એક મારી બહેનનો છે અને બીજો એ છે જેની સાથે મે ઘણું કામ કર્યું છે. તપાસ કરાશે અને સચ્ચાઈ સામે આવી જશે.
અજીત પવારના દાવા ફગાવ્યા
અજીત પવારની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સુપ્રિયા સુલેએ પણ તેમના દાવાને ફગાવી દીધો. તેમણે કહ્યું કે તે અજીત પવાર છે તેઓ કઈ પણ કહી શકે છે. રામ કૃષ્ણ હરિ. આ બધા વચ્ચે સુપ્રિયા સુલે અને તેમના પરિવારે આરોપો વચ્ચે આત્મવિશ્વાસ દેખાડતા બારામતીના એક મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કર્યું.
આ અગાઉ સુપ્રિયા સુલેએ મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે બિટકોઈન કૌભાંડમાં પોતાની સંડોવણીના આરોપો વિશે જવાબ આપ્યો હતો. સુલેએ કહ્યું કે તેઓ કોઈ પણ ભાજપ પ્રતિનિધિ સાથે તેમના દ્વારા પસંદ કરાયેલા સમય અને સ્થાન પર જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છે. સુપ્રિયા સુલેએ એક્સ પોસ્ટ શેર કરી હતી કે હું સુધાંશુ ત્રિવેદી દ્વારા મારા વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો ફગાવું છું. આ બધી અટકળો અને ભ્રમ છે અને હું કોઈ પણ ભાજપ પ્રતિનિધિ સાથે તેમના દ્વારા પસંદ કરાયેલા સમય અને તિથિ પર જાહેર મંચ પર ચર્ચા કરવા તૈયાર છું.
રવિન્દ્રનાથ પાટિલે લગાવ્યો હતો આરોપ
રવિન્દ્રનાથ પાટિલે મંગળવારે બારામતી સાંસદ સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે પર ગંભીર આરોપ લાગવ્યા હતા. રવિન્દ્રનાથ પાટિલે આરોપ લગાવ્યો કે બંનેએ 2018ના ક્રિપ્ટોકરન્સી કૌભાંડ મામલેથી બિટકોઈનનો ઉપયોગ કર્યો અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેનો ઉપયોગ કર્યો. પાટિલના આરો બાદ તરત ભાજપે તેને હવા આપી અને કથિત વોઈસ નોટ બહાર પાડી. જેમાં તેમનો દાવો છે કે ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે બિટકોઈનને કેશ કરવાના ષડયંત્રમાં સુપ્રિયા સુલે અને નાના પટોલે સામેલ છે. ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે આ ઘટનાક્રમે વિપક્ષી મહાવિકાસ આઘાડી (MVA) ની પોલ ખોલી દીધી છે અને કોંગ્રેસ અને સુલે પાસે જવાબ માંગ્યો છે.