યાદ છે ન્યૂ યર પાર્ટી માણવા ગયેલી અમદાવાદી બિજલનો ગેંગરેપ કેસ? આજે આવ્યું મોટું અપડેટ
2003માં બનેલી આ ઘટના મહિનાઓ સુધી વિવાદનો મુદ્દો બની હતી
અમદાવાદ : 2003ના વર્ષમાં ન્યૂ યર પાર્ટી માણવા ગયેલી અમદાવાદની 24 વર્ષની બિજલ જોષી પર થયેલા ગેંગરેપની ચર્ચા મહિનાઓ સુધી ચાલી રહી. આ કેસમાં પીડિતાએ માનસિક ત્રાસને કારણે આખરે આત્મહત્યા કરી લેતા મામલો વધારે ઉગ્ર બન્યો હતો. હવે આ વિવાદાસ્પદ ગેંગરેપ કેસના દોષી સજલ જૈનને છોડી મૂકવા બુધવારે સુપ્રીમ કોર્ટે અમદાવાદના જેલ પ્રશાસનને આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે સજલે કરેલી અરજીને અમુક અંશે માન્ય રાખી છે. અરજી પ્રમાણે સજલે 14 વર્ષની આજીવન કેદ ભોગવી લીધી હોવાથી તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો. સૂત્રોના મતે, સજલ જૈને ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટે સજલને સંભળાવેલી આજીવન કેદની સજાને ટેકો આપ્યો હતો.
ફરિયાદી પક્ષની દલીલ પ્રમાણે દિલ્હીના બિઝનેસમેન સજલ જૈનને બિજલ સાથે લગ્નેત્તર સંબંધો હતા. 2003માં શાહીબાગ સ્થિત અશોક પેલેસ હોટલમાં ન્યૂ યરની પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં બિજલ બોયફ્રેન્ડ સજલ સાથે ગઈ હતી. સજલ અને તેના મિત્રો ચંદન જૈસવાલ, અશોક ઉર્ફે મદન જૈસવાલ, સુગમ જૈસવાલ અને ધર્મેન્દ્ર ઉર્ફે કરણ જૈને બિજલના ડ્રીંકમાં નશીલો પદાર્થ ભેળવીને તેના પર ગેંગરેપ કર્યો હતો. આ પછી તેઓ બિજલને એક વાહનમાં મૂકીને જતા રહ્યા અને બીજા દિવસે તેની મોટી બહેનને ફોન કરી બિજલને લેવા આવવાનું કહ્યું.
બિજલે નોંધાવેલી FIRને હાઈકોર્ટે તેના મૃત્યુ સમયના કથન તરીકે માન્ય રાખ્યું. હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી વખતે વિવાદ ઊભો થયો હતો. હાઈકોર્ટે પીડિત પરિવારને આરોપીઓની આજીવન કેદની સજાને બદલે વળતર તરીકે મોટી રકમ લેવાનું સૂચવ્યું હતું. જો કે, પીડિતાના પરિવારે આ બાબતનો વિરોધ કર્યો અને બેન્ચ બદલવાની માગ કરી હતી. 2008માં શહેરની સેશન્સ કોર્ટે 5 શખ્સોને આ કેસમાં દોષી ઠેરવીને અન્ય 7ને આરોપમુક્ત કર્યા. સુગમની માતા સીમા જૈસવાલ, બહેન શ્રેયા જૈસવાલ, પિતા હરિપ્રસાદ જૈસવાલ, પન્નાલાલ જૈસવાલ, આણંદના અશોક પટેલ પર આરોપીઓને આશરો આપવાનો આરોપ હતો. આ સિવાય અમદાવાદ સિવિલ હોસ્પિટલના CMO ડો. યોગેશ જાદવ પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ હતો. આ તમામ આરોપીઓને કોર્ટે છોડી મૂક્યા હતા.