નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ અગાઉ દેશમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યાં છે. આવામાં સુરક્ષા એજન્સીઓ માટે ચિંતા વધારનારા અહેવાલ આવી રહ્યાં છે. ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટના આધારે એવી જાણકારીઓ સામે આવી રહી છે કે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ભત્રીજો અને તેનો ભાઈ અબ્દુલ રઉફ ભારતમાં છે. આ બંને દેશમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. એટલું જ નહીં આ બંને શ્રીનગર અને રાજધાની દિલ્હીમાં ટેરર મોડ્યુલ પણ બનાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ જે ઈનપુટ મળ્યાં છે તે પ્રમાણે મસૂદ અઝહરના મોટા ભાઈ ઈબ્રાહિમનો પુત્ર મોહમ્મદ ઉમર મે મહિનાના છેલ્લા સપ્તાહમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ્યો હતો. આ જ મહિનામાં તેના ભાઈ રઉફનો બોડગાર્ડ મોહમ્મદ ઈસ્માઈલ પણ ઘાટીમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયો તો. કંધાર કાંડ, કે જેમા મસૂદને છોડાવવામાં આવ્યો હતો તેમાં રઉફ મુખ્ય આરોપી છે. સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાની વાત એ છે કે ઈસ્માઈલ એકવાર કાશ્મીરથી દિલ્હી પણ આવી ચૂક્યો છે. તેના થોડા દિવસ બાદ તે ઘાટીમાં પાછો ફરી ગયો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ત્યાં ટેરર મોડ્યુલ જમાવવા માટે આવ્યો હતો. 


એજન્સીઓના આઉટપુટ મુજબ મોહમ્મદ ઈસ્માઈલ મે 2018માં ઘાટીમાં દાખલ થયો હતો. ત્યારબાદ તે દિલ્હી આવ્યો. તેણે આતંકી ઓપરેશન માટે મોડ્યુલ પણ બનાવ્યું. હાલ તે જમ્મુ અને કાશ્મીરમાં છે તેના પાક્કા પુરાવા પણ છે. જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાં મુજબ હાલ મોહમ્મદ ઈસ્માઈલ પુલવામા અને શ્રીનગરની વચ્ચે ક્યાંક છે. અઝહરના ભત્રીજાની વાત કરીએ તો તે પણ હાલ ઘાટીમાં જ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાલ તે ઘાટીના યુવાઓની આતંકી ગતિવિધિઓ માટે ભરતી કરી રહ્યો છે. એટલું જ નહીં તે તેમને કાયદેસરની ટ્રેનિંગ પણ આપી રહ્યો છે. કહેવાય છે કે ઉમર કાશ્મીરમાં છ મહિના રહીને અહીંના યુવાઓને આતંકવાદી બનવાની પૂરેપૂરી ટ્રેનિંગ આપશે. 


સુરક્ષા એજન્સીઓના જણાવ્યાં મુજબ ગત મહિને ઉમરની સાથે એક અથડામણ પણ થઈ હતી. જો કે તે તેમાંથી બચીને ભાગી ગયો. ત્યારબાદ તે શ્રીનગરની પાસેના પાંથા ચોક પાસે ક્યાંક છૂપાઈ ગયો. ગત મહિને ઉમરના ગ્રુપે ઘાટીમાં પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવ્યાં હતાં. ગુપ્તચર એજન્સીઓને જાણવા મળ્યું છે કે મોહમ્મદ ઈસ્માઈલ હાલ ઉમરની સાથે કાશ્મીરમાં મોટી વારદાત માટે તૈયારીઓ કરી રહ્યો છે. 


સુરક્ષા એજન્સીઓ માટે આ વાત એટલા માટે ચિંતા વધારનારી છે કારણ કે આ બંને જૈશ એ મોહમ્મદના સૌથી ખતરનાક આતંકીઓ છે. હાલ ઘાટીમાં અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ ઉપરાંત સ્વતંત્રતા દિવસ નજીક છે. આવામાં તેમનું ઘાટીમાં હોવુ એ ખતરાની ઘંટી છે.