SUKANYA SAMRIDDHI YOJANA: સરકારે સુકન્યા સમૃદ્ધિમાં કર્યા 5 મોટા ફેરફાર, જાણો તમારા ફાયદાની વાત
SSY: સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ના નિયમો હેઠળ, ખાતામાં જમા કરવામાં આવેલ ખોટા વ્યાજને પરત કરવાની જોગવાઈ દૂર કરવામાં આવી છે. આ સિવાય ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે. અગાઉ આ ખાતામાં ત્રિમાસિક ધોરણે જમા કરવામાં આવતું હતું.
SUKANYA SAMRIDDHI YOJANA: લોકસભાની ચૂંટણીન પરિણામો જાહેર થયા બાદ નવી સરકારની રચના થઈ ચુકી છે. નવા મંત્રી મંડળના સભ્યોએ પણ શપથ લઈને પદભાર સંભાળી લીધો છે. ત્યારે હવે સરકારે રાબેતા મુજબનું કામ શરૂ કરી દીધું છે. એક મહત્ત્વની યોજનામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એ પણ જાણી લઈએ...
જો તમે પણ તમારા પ્રિયજનની ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સરકાર દ્વારા સમયાંતરે આને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આ સિવાય તેના વ્યાજ દરની પણ દર ત્રિમાસિકમાં સમીક્ષા કરવામાં આવે છે. તમારા માટે આ બધા વિશે અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે.
સરકાર જૂનમાં પૂરા થનારા ત્રિમાસિક ગાળાના વ્યાજ દરોની સમીક્ષા કરશે. જોકે આ વખતે વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાની આશા ઓછી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ, વ્યક્તિને વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. આમાં રોકાણ કરવા પર તમને કલમ 80C હેઠળ આવકવેરામાંથી પણ છૂટ મળે છે. ચાલો જાણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં SSYમાં થયેલા 5 મોટા ફેરફારો વિશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ના નિયમો હેઠળ, ખાતામાં જમા કરવામાં આવેલ ખોટા વ્યાજને પરત કરવાની જોગવાઈ દૂર કરવામાં આવી છે. આ સિવાય ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે. અગાઉ આ ખાતામાં ત્રિમાસિક ધોરણે જમા કરવામાં આવતું હતું.
અગાઉના નિયમો હેઠળ દીકરી 10 વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી. પરંતુ નવા નિયમો હેઠળ આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ દીકરીઓને 18 વર્ષની ઉંમર પહેલા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ઓપરેટ કરવાની છૂટ નથી. 18 વર્ષની ઉંમર સુધી માત્ર માતા-પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરવાનો નિયમ છે. જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો ખાતું ડિફોલ્ટ થઈ જશે. અપડેટ કરાયેલા નિયમો હેઠળ, જો ખાતું પુનઃસક્રિય કરવામાં ન આવે તો, ખાતામાં જમા કરાયેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દરે વ્યાજ મેળવતું રહેશે. જ્યારે પહેલા આ નિયમ ન હતો.
સુકન્યા સમૃદ્ધિના અગાઉના નિયમોના આધારે, કલમ 80C હેઠળ કરમુક્તિનો લાભ બે પુત્રીઓના ખાતા પર ઉપલબ્ધ હતો. પરંતુ હવે જો તમારી પાસે ત્રીજી પુત્રી છે, તો તેના જન્મ પર પણ સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ખાતું ખોલાવી શકાય છે. આ નિયમ હેઠળ, પ્રથમ પુત્રી પછી જન્મેલી જોડિયા પુત્રીઓ માટે ખાતા ખોલવાની જોગવાઈ છે. આ રીતે વ્યક્તિ પોતાની ત્રણ દીકરીઓ માટે ખાતું ખોલાવી શકે છે.
અગાઉ દીકરીના મૃત્યુ અથવા દીકરીના રહેઠાણનું સરનામું બદલવા પર 'સુકન્યા સમૃદ્ધિ યોજના'નું ખાતું બંધ કરી શકાતું હતું. પરંતુ હવે ખાતાધારકની જીવલેણ બીમારી પણ તેમાં સામેલ થઈ ગઈ છે. વાલીના મૃત્યુના કિસ્સામાં પણ એકાઉન્ટ સમય પહેલા બંધ કરી શકાય છે.