કોંગ્રેસમાં આંતરિક વિખવાદઃ મિલિંદ દેવડાના રાજીનામા અંગે સંજય નિરૂપમે માર્યું મહેણું
મિલિંદ દેવડાના રાજીનામા બાદ કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા સંજય નિરૂપમે કોઈનું નામ લીધા વગર એક ટ્વીટ કરી નાખી અને કહ્યું કે, શું આ ઉપર ચડવાની સીડી છે?
મુંબઈઃ લોકસભા ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. આ જ કડીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના બરાબર 3 મહિના પહેલા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેના રાજીનામા પછી તરત જ કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ બહાર આવી ગયો હતો. મિલિંદ દેવડાના રાજીનામા પછી તરત જ કોંગ્રેસના સંજય નિરૂપમે ટ્વીટ કરીને મહેણું માર્યું હતું.
સંજય નિરૂપમે પોતાની ટ્વીટમાં કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તેમનું નિશાન સીધું જ મિલિંદ દેવડા પર હતું. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના એક મહિના પહેલા જ મુંબઈ કોંગ્રેસની કમામ સંજય નિરૂપમ પાસેથી લઈને મિલિંદ દેવડાને આપી દેવાઈ હતી. મલિંદ દેવડા દ્વારા રાજીનામું આપ્યાના તુરંત બાદ સંજય નિરૂપમે બે ટ્વીટ કરી હતી.
સંજય નિરૂપમે પોતાની ટ્વીટમાં લખ્યું કે, "રાજીનામામાં ત્યાગની ભાવના છુપાયેલી હોય છે. અહીં તો બીજી જ ક્ષણે 'રાષ્ટ્રીય' કક્ષાએ પદ માગવામાં આવી રહ્યું છે. આ રાજીનામું છે કે ઉપર ચડવાની સીડી? પાર્ટીએ આવા 'કર્મઠ' લોકોથી સાવચેત રહેવું જોઈએ."
કોંગ્રેસમાં રાજીનામાની વણઝારઃ જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવડા, હરિશ રાવતે કર્યો પદત્યાગ
મિલિંદ દેવડાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા સમયે આગામી વિધાનસભા ચૂંટણી અંગે કેટલાક સુચન કર્યા હતા. જે સંજય નિરૂપમને ગમ્યા નહીં. મિલિંદે સુચન કર્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં શહેર એકમ માટે કોંગ્રેસે ત્રણ સભ્યોની સમિતિ બનાવવી જોઈએ. સંજય નિરૂપમે આ અંગે કહ્યું કે, 'મુંબઈમાં પાર્ટી અધ્યક્ષના સ્થાને 3 સભ્યોની સમિતિની નિમણૂકનો વિચાર યોગ્ય નથી. તે ભવિષ્યમાં પાર્ટીને બરબાદ કરી નાખશે.'
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...